- કચ્છ સીમાની જાસૂસી કરતો BSF જવાન ઝડપાયો મામલો
- આજે મંગળવારે આરોપી સજ્જાદને ભુજની કોર્ટમાં રજૂ કરાયો
- કોર્ટે આરોપી સજ્જાદના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કચ્છ : ગુજરાત ATSના અધિકારીઓને આધારભુત અને વિશ્વસનીય સુત્રો તરફથી હકીકત બાતમી મળી હતી કે, સજ્જાદ સન ઓફ મોહંમદ ઇમ્તીયાઝ કે જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને હાલમાં BSF બટાલિયન 74 માં A કંપનીમાં ગાંધીધામ કચ્છ ખાતે ફરજ બજાવે છે. આ સાથે જ તેના દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તી કરવામાં આવી રહી છે અને આ બાતમીના આધારે તેને પકડી પાડવામાં આવ્યો હતો, આ દરમિયાન તેની પાસેથી સીમકાર્ડ સાથે 2 મોબાઇલ ફોન તથા વધારાના 2 સીમકાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
આરોપીને ફરી 6 નવેમ્બરના કોર્ટમાં રજૂ કરવામાં આવશે
આરોપી સજ્જાદને ગુજરાત ATS દ્વારા આજે મંગળવારે ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. સ્પેશિયલ કોર્ટના જજ દ્વારા આરોપી સજ્જાદના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ફરી તેને 6ઠ્ઠી નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ રિમાન્ડ દરમિયાન આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવશે, જેમાં તેની સાથે કોણ કોણ સંકળાયેલા છે અને શા માટે તેને દેશ સાથે ગદ્દારી કરી છે, વગેરે અંગેના વધુ ખુલાસા થવાની સંભાવનાઓ છે.
દેશની આંતરિક સુરક્ષા અંગેની માહિતી દુશ્મન દેશને આપતો હતો
પ્રાથમિક તપાસ દરમિયાન, આરોપી સજ્જાદ ખોટા બર્થ સર્ટિફિકેટ બનાવીને BSFમાં ભરતી થયો હતો. જમ્મુના રાજૌરી જિલ્લાના મંજા કોટે તાલુકાના સરૂલા ગામનો સજ્જાદ મોહમ્મદ ઈમ્તિયાઝ વોટસએપ દ્વારા પાકિસ્તાનમાં BSFની મૂવમેન્ટ સહિતની સંવેદનશીલ અને ગુપ્ત માહિતી મોકલતો હતો.
આરોપી પાકિસ્તાનમાં કોઈ "અંકલ" સાથે હતો સંપર્કમાં
ગુજરાતનાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા આ જવાનની ધરપકડ કરવામાં આવી હતી, જેથી બોર્ડર ડિસ્ટ્રીકટ કચ્છની ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. સજ્જાદ નામના શખ્સની ગઈકાલે સોમવારે થયેલી ધરપકડ બાદ અનેકવિધ ખુલાસાઓ થવા પામી રહ્યા છે. આ દરમિયાન જ આજ રોજ આ કેસમાં વધુ કેટલાક ચોકાવનારા ખુલાસાઓ સામે આવવા પામ્યા છે. આ મામલે સૂત્રો તરફથી મળતી માહીતી અનુસાર સજ્જાદ નામનો BSFનો ગદ્વાર કોન્સટેબલ સામે પાર માહીતી મોકલતો હતો, તેમા ફોનનો ઉપયોગ કરતો હતો અને તે ફોનમાં સામેવાળી વ્યકિતને અંકલ તરીકે બોલાવતો હોવાની વાત ગઈકાલે સોમવારે સામે આવી હતી.