કચ્છ: કચ્છના હરામીનાળામાંથી ફરી એક વખત પાકિસ્તાની શખ્સ ઝડપાયો છે. સીમા સુરક્ષા દળના જવાનોએ બોર્ડર નજીકથી એક શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન આ પાકિસ્તાની નાગરિક પાસેથી ધુવડ પક્ષી મળી આવ્યુ છે. સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા આ પાકિસ્તાની નાગરિકની પ્રાથમીક તપાસ કર્યા બાદ વધુ તપાસ માટે પોલીસને સુપ્રત કરવામાં આવશે.
પાકિસ્તાની નાગરિક ઝડપાયો:બી.એસ.એફ દ્વારા જારી કરાયેલ સતાવાર અખબારી યાદી મુજબ આજ રોજ BSF જવાનો ભારત પાકિસ્તાન બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન ભારત-પાકિસ્તાન સરહદ નજીક શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. શંકાસ્પદ હિલચાલ જણાઈ આવતા બીએસએફની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને હરામીનાળાના ઉત્તરી છેડેથી એક પાકિસ્તાની નાગરિકને ઝડપી લીધો હતો.
ભારતમાં ઘુસવાનું કારણ:બીએસએફના જવાનો દ્વારા ઝડપાયેલ શંકાસ્પદ પાકિસ્તાનીની ઓળખ સિંધના બદીન જિલ્લાના સિરાનીના રહેવાસી મોહમ્મદ યુસુફના પુત્ર મહેબૂબ અલી તરીકે થઈ છે. જેની ઉંમર 30 વર્ષની હોવાનું બહાર આવ્યું છે. સીમા સુરક્ષા દળના જવાનોએ તેના કબજામાંથી એક ઘુવડ પણ મળી આવ્યું હતું. પાકિસ્તાની યુવકે વધુમાં ખુલાસો કર્યો હતો કે તે પક્ષીઓ અને કરચલાઓ પકડવા માટે ભારતીય વિસ્તારમાં ઘુસ્યો હતો.
વધુ તપાસ હાથ ધરવામાં આવી:ઉલ્લેખનીય છે કે, ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમામાંથી અવારનવાર ઘૂસણખોરો ભારતીય સીમામાં ઘૂસી આવતા હોય છે તો કેફી દ્રવ્યોનો જથ્થો પણ વિવિધ સુરક્ષા એજન્સીઓને પેટ્રોલિંગ દરમિયાન મળી આવે છે. હાલમાં આ પ્રકરણને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
- Rajkot Crime : સાયબર ફ્રોડ ટોળકીને બેંક એકાઉન્ટ વિગતો વેચનાર ગેંગ ઝડપાઈ, 5%ના કમિશન પર થતી લેવડદેવડ
- Girl Attacked With Knife : જામનગરની યુવતીએ લગ્નની ના પાડી, રાજકોટના યુવકે છરીના ત્રણ ઘા ઝીંકી દીધાં