ભુજ: કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર દરિયાઈ ક્રિકની સુરક્ષાના મુદ્દે BSFના ડાયરેક્ટર જનરલે જણાવ્યું કે, સરહદની સુરક્ષા અને દેશની સલામતી માટે તમામ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે. BSF તમામ પ્રકારના સાધનોથી સજ્જ છે અને ટેકનોલોજી સાથે સુરક્ષાની તમામ કામગીરી થઇ રહી છે. સરહદ ક્વિક રિસ્પોન્સ ટીમ સતત કામગીરી કરી શકે, તેવી પ્રોસેસ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ગત 5 વર્ષની સરખામણીએ સરહદ પર સુરક્ષાના સાધનોમાં વધારો કરવામાં આવ્યો છે.
BSF પાસે દેશની 7,500 કિલોમીટરથી વધુ સરહદોની જવાબદારી છે. કચ્છ ગુજરાત અને રાજસ્થાનની ભૌગોલિક સ્થિતિથી અલગ છે, ત્યારે સ્માર્ટ ફેન્સીંગ સહિતના પગલા લેવાયા છે. આ ઉપરાંત કચ્છ સરહદને વધુ સુરક્ષિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સાથે જ અમૂક વિસ્તારોમાં માળખાગત સુવિધાના પ્રશ્નો છે, જે અંગે પણ કામગીરી ચાલી રહી છે.