કચ્છ: છેલ્લાં 10 દિવસોમાં કચ્છની દરિયાઇ સીમામાંથી છ વખત ચરસના પેકેટો ઝડપાયા છે. BSFની એક વિશેષ સર્ચ પાર્ટી અને NIU ની ટીમ દ્વારા જખૌના દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું જેના ભાગરૂપે આજે ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. જખૌના દરિયા કાંઠાથી લગભગ 15 કિલોમીટર દૂર ઇબ્રાહિમ પીર બેટમાંથી શંકાસ્પદ ચરસના 10 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.
બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ:રિકવર કરાયેલ ચરસના પેકેટનું વજન આશરે 1 કિલો જેટલું છે. ચરસના પેકેટને પ્લાસ્ટિકના સ્તરથી લપેટવામાં આવ્યું હતું. ચરસના પેકેટ પર 'અફઘાન પ્રોડક્ટ' પ્રિન્ટ કરવામાં આવેલ છે. ચરસની પ્રકૃતિ અને પ્રકાર અંગે હાલ બીએસએફ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
12 એપ્રિલથી 27 ચરસના પેકેટ ઝડપાયા:ઉલ્લેખનીય છે કે 12 એપ્રિલ 2023ના રોજ પ્રથમ કન્સાઈનમેન્ટની રિકવરી બાદ શરૂ કરાયેલી સર્ચ ઓપરેશનમાંથી આ છઠ્ઠી રિકવરી છે. અત્યાર સુધીમાં 27 પેકેટ રિકવર કરવામાં આવ્યા છે. છેલ્લાં 10 દિવસોમાં જખૌના દરિયા કિનારાથી કુલ 27 પેકેટ મળી આવ્યા છે. ચરસના પેકેટો મળી આવ્યા બાદ BSFએ જખૌ કિનારે અલગ અલગ બેટ પર વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઉલ્લેખનિય છે કે દરિયાના ઊંડા મોજાથી ચરસના પેકેટ ધોવાઈ ગયા છે અને ભારતીય દરિયાઈ સીમામાં તણાઈ આવ્યા છે.