ભુજ :કચ્છના ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિર આયોજિત નર નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં આજે ગૌ-મહિમા કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ લીધી મહોત્સવની મુલાકાત : સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તેવા કર્યો માટે કાર્યરત છે. સાથે સાથે જળ સંરક્ષણ, વૃક્ષારોપણ, આપત્તિ સમયે બચાવ કામગીરી, લોક સ્વાસ્થ્ય જેવા માનવતાના કાર્યોમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રથમ હરોળમાં હોય છે. તેવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૌ મહિમા કૃષિ સંમેલનમાં જણાવ્યું હતું. બદ્રિકાશ્રમ ખાતે રાજ્યપાલે આ દ્વિશતાબ્દી મહોત્સવના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ગાય આધારિત ખેતીનો વ્યાપ :વધુમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, 200 વર્ષ પહેલાં માનવતાની સેવા અર્થે સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરાઈ હતી. ગૌ-માતા સંરક્ષણ અને સંવર્ધન સાથે ગાય આધારિત ખેતીનો વ્યાપ વધારવા સ્વામિનારાયણ સંપ્રદાય સતત માર્ગદર્શન અને સહયોગ આપતું આવ્યું છે. મહોત્સવમાં ઊભી કરવામાં આવેલ ગૌ મહિમા પ્રદર્શનને અદભુત ગણાવીને રાજ્યપાલે પ્રદર્શન ગાય પ્રત્યે શ્રદ્ધા પેદા કરનારું છે તેવું જણાવ્યું હતું.
રાજ્યપાલે અનુરોધ કર્યો :સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રેરણાથી લાખો ખેડૂતો મારફતે પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યપાલે ધનનો ઉપયોગ પરોપકારમાં કરવો જોઈએ એવો અનુરોધ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના ભુજના માનવ કલ્યાણના સેવાના કાર્યોની પ્રશંસા કરી હતી. ગાય આધારિત ખેતી કેવી રીતે કરી શકાય તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન રાજ્યપાલે પુરૂ પાડ્યું હતું. આજે રાસાયણિક ખેતીથી જમીન બિન ઉપજાઉ બની રહી છે. આથી ગાય આધારિત ખાતર કે ગોબરનો ઉપયોગ કરવા માટે રાજ્યપાલે અનુરોધ કર્યો હતો.