કચ્છ : ભુજમાં ST બસ સ્ટેશનની મૂળ જગ્યાએ વર્ષ 2017માં અધ્યતન બસ પોર્ટ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિ પૂજન કર્યું હતું, ત્યારે અંદાજે 40 કરોડની રકમથી બસ પોર્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. 220 શોપિંગ દુકાનો સાથેનું કચ્છીયતની થીમ પર આ બસ સ્ટેશનનું નિર્માણ થયું છે. બસ પોર્ટનું હવે વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તેવી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ભુજના આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ :કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં અંદાજે 40 કરોડના ખર્ચે આઈકોનીક બસ પોર્ટ નિર્માણ પામી રહ્યું છે. આઈકોનિક ભુજ બસ પોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22મે 2017ના રોજ ભચાઉથી ઈ-શિલાન્યાસ કર્યું હતું. સાડા પાંચ વર્ષ બાદ હવે 2023માં આ આઈકોનિક બસ પોર્ટનું કાર્ય 95 ટકા પૂર્ણ થયું છે અને હવે ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે.
આઈકોનિક બસ પોર્ટની વિશેષતાઓ :નવા આઈકોનિક બસ પોર્ટ અંગે માહિતી આપતા વિભાગીય કચેરી નિયામક વાય.કે.પટેલે જણાવ્યું હતું કે, ભુજમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 10.32 કરોડના ખર્ચે બસ ટર્મિનલ ફેસેલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પીપીપી પ્રોજેક્ટ હેઠળ આઈકોનિક બસ પોર્ટ આકાર પામ્યું છે. જેનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ આઈકોનિક બસ પોર્ટ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની ઈમારત મળીને કુલ 20,760 સ્કવેર ફૂટમાં બન્યું છે. આ પોર્ટમાં બસ માટે 15 પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ, ફૂડ કોર્ટ અને વોલ્વો બસ વેઇટિંગ રૂમ, લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ અલગ વ્યવસ્થાઓ સહીતની તમામ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.
39.17 કરોડ રૂપિયામાં બાંધકામ થયું :ઉલ્લેખનીય છે કે, ભુજનું આઈકોનિક બસ પોર્ટ બસ ટર્મિનલ ફેસેલિટીનું 10.32 કરોડ રૂપિયા અને કોમર્શિયલ વિભાગનું 28.85 કરોડ રૂપિયા સહિત કુલ 39.17 કરોડ રૂપિયામાં બાંધકામ થયું છે. તો અન્ડર ગ્રાઉન્ડ પે પાર્કિંગમાં 400 વાહનો પાર્ક કરવાની સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત કોઈપણ પ્રસંગની ઉજવણી માટે 300 વ્યક્તિને સમાવી શકાય એવો વિશાળ હોલ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં તમામ સુવિધાઓ ભાડેથી મળશે. આ બસ પોર્ટમાં રેસ્ટોરન્ટ પણ હશે તો સાથે જ 4 જેટલા મલ્ટીપ્લેક્સ સિનેમાઘર પણ હશે તો મુલાકાતીઓ વિવિધ ખરીદી કરી શકે તે માટે અંદાજે 220 જેટલી દુકાનો સાથેનું શોપિંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.