કચ્છ:વર્ષ 2015ના ભારે વરસાદમાં છલોછલ ભરાઈને છલકાઈ ગયેલું હમીસર તળાવ છેલ્લા ચાર વર્ષ થી ખાલી હતું. છેલ્લા ચાર વર્ષમાં થોડા ઘણા વરસાદમાં તળાવમાં પાણી આવતું પણ તળાવ ભરાતું ન હતું.ભુજ વાસીઓને આતુરતા હતી કે, ક્યારે હમીસર તળાવ છલકાય છે. મેઘરાજાના બીજા રાઉન્ડમાં એક જ રાત વચ્ચે તળાવ ચાર ફૂટ જ બાકી રહ્યું હતું. જેથી લોકો તળાવના કિનારે ઉમટી પડ્યા હતા.
છેલ્લા ચાર દિવસથી હમીસર તળાવ ક્યારે છલકાય તેની રાહ જોવાતી હતી. ગત રાત્રે રવિવારે બે વાગ્યાની આસપાસ તળાવ છલકાવા લાગ્યું હતું અને લોકો રાત્રે જ તળાવ સુધી પહોંચી ગયા હતા.આજે સવારે કચ્છ રાજવી પરિવારના કુંવર ઇન્દ્રવિજયસિંહ જાડેજા નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તળાવના નવા નીર ને વીધી સાથે વધાવા આવ્યું હતું.આ સમયે ભુજવાસીઓ ઉમટી પડ્યા હતા અને કોરોના મહામારીના સામાજિક અંતરના નિયમને દૂર રાખીને પોતાના આનંદ લીધો હતો.