કચ્છ:સરહદી જિલ્લા કચ્છના અંજાર શહેરથી આશરે 18 કિલોમીટર દૂર આ ભીમાસર ગામ આવેલું છે. ETV ભારતની ટીમ જયારે ભીમાસર પહોંચી ત્યારે વિશ્વાસમાં ન આવ્યું કે આ ગામ 2001 માં આવેલા ભયાનક ભૂકંપમાં તબાહ થઇ ગયું હતું. ગામના લોકો દ્વાર જાણવા મળ્યું કે ભીમાસર ગામનું ટાઉન પ્લાનિંગ મેનેજમેન્ટ શહેરોના ટાઉન પ્લાનિંગને પણ પાછળ છોડી દે તેવું છે અને સુવિધાઓ માટે પણ પંચાયત અને ગામના લોકો દ્વારા પ્લાનિંગ કરવામાં આવે છે.
ભૂકંપ બાદ ગામનું પુનર્વસન: વર્ષ 2001 ના ગોઝારા ભૂકંપે ગામને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું હતું. ગામના લોકોએ અને અગ્રણીઓએ ગામને એક મોડેલ ગામ ઉભું કરવાનું નક્કી કર્યું હતું અને વર્ષ 2004 માં તેનું પુનર્વસન કરવામાં આવ્યું હતું. ભીમાસર ગામના સામાજિક અગ્રણી વી.કે.હુંબલે જણાવ્યું હતું કે, '2001 માં ગોઝારો ભૂકંપ આવ્યુ હતું ત્યારે ગામમાં 19 જણા મૃત્યુ પામ્યા હતાં. ત્યાર બાદ 2004 માં ગામના લોકોએ નક્કી કર્યું હતું કે આપણા ભવિષ્ય માટે તેમજ આવનારી પેઢી માટે કંઇક નવું કરી શકીએ તે માટે ક્યાંક જવું જોઈએ જ્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય જેના માટે ગામમાં એક મિટિંગ કરવામાં આવી અને પુનર્વસન માટે નક્કી કરવામાં આવ્યું હતું.'
ગામનું ટાઉન પ્લાનિંગ મેનેજમેન્ટ મજબૂત: આજે આ ગામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મભારતના સપનાને સાકાર કરી રહ્યું છે. ભીમાસર ગામે અન્ય ગામો અને શહેરો માટે એક ઉદાહરણ ઊભું કર્યું છે કે પંચાયતમાં વસૂલાતી સંચિત કરવેરાની આવકનો ઉપયોગ કરીને કંઈ રીતે આખા ગામનો વિકાસ કરી શકાય.વી.કે.હુંબલે જણાવ્યું હતું કે, 'ગામના વિકાસના કાર્યો શરૂ કરવામાં આવતા અને ગામને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા. ભૂકંપના સમયે અનેક NGO સહયોગ માટે તેમજ ગામને ફરી બેઠું કરવા આગળ આવ્યા જેમાં સહારા વેલફેર ફાઉન્ડેશન ગ્રુપ જેની મુખ્ય ઓફિસ લખનઉ હતી તેના અધિકારીઓ અહીં આવ્યા હતા અને તેમના દ્વારા આ ગામના પુનર્વસન માટે વાત કરવામાં આવી હતી. આધુનિક સુવિધાઓની શરતોને આધીન સહારા ફાઉન્ડેશન ગ્રુપ સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. MoU બાદ અમે લોકોએ કલ્પના નતી કરી તેવી આધુનિક સુવિધાઓ અહીં વિકસાવવામાં આવી.'
40 વર્ષથી નથી બની ચોરીની ઘટના: ભીમાસર ગામમાં પ્રવેશ કરો એટલે સમજો કે તમે સીસીટીવી કેમેરામાં કેદ થઇ રહ્યા છો. સમગ્ર ગામમાં સુરક્ષાના હેતુથી સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે, ' ભીમાસર ગામ એક ઔધોગિક વિસ્તાર છે અને પરપ્રાંતીય લોકો પણ અહીં વસવાટ કરે છે. ગામ દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યું છે કે બહારથી આવતા લોકો જો પોતાના પરિવાર સાથે અહીં રહેવા આવે છે અને કામ કરે છે તો તેમને આ ગામમાં રહેવા મળે છે અને જો એકલા રહેવા આવતા હોય છે તો પહેલા એક જૂનું ગામ હતું ત્યાં આવા પરપ્રાંતીય લોકોને ભાડે રહેવા માટે આપવામાં આવે છે. ગુનાની પ્રવૃત્તિઓ અહીં થતી જ નથી કારણ કે એક તો સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. બીજું 100 ટકા તમામ રોડ લાઈટ ચાલુ રાખવામાં આવે છે તો રાત્રિના ચોકીદારો પણ ચોકી કરે છે. છેલ્લાં 40 વર્ષોમાં ભીમાસર ગામમાં ચોરીનો કોઈ બનાવ બન્યો નથી.