માતાના મઢ ખાતે ભારે વરસાદી ઝાપટા વચ્ચે પણ પદયાત્રાળુઓ પરેશાની ભોગવીને મંદિરે પહોંચ્યા હતા. કચ્છની ધણિયાણી કુળદેવી આશાપુરા માતાજી પ્રત્યે અપાર ભક્તિ, અખૂટ વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થા સાથે વિપરીત વાતાવરણની ચિંતા કર્યા વિના પદયાત્રીઓ માતાના જયઘોષ સાથે માતાના મઢ તરફ ડગ માંડી રહ્યા હતા. બે દિવસ અગાઉથી જ પદયાત્રીઓને સત્કારવા, તેમની સેવા માટે વિવિધ કેમ્પો સજ્જ થઈ ગયા હતા.
લાખો ભાવિકો પહોંચ્યા માતાના મઢે, ઘટ સ્થાપન સાથે નવલા નોરતાનો પ્રારંભ - mata no madh
કચ્છ: માતાના મઢ ખાતે શનિવારના રાત્રે અમાસના દિવસે માઁ આશાપુરાના મંદિરમાં જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટ સ્થાપન સાથે નવલા નોરતાનો પ્રારંભ થયો હતો. રવિવારના રોજ લાખો પદયાત્રાળુઓ, ભાવિકો મંદિર ખાતે માંના દર્શને પહોંચ્યા હતા. જેને પગલે માતાના મઢમાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું.
વરસતા વરસાદ વચ્ચે ભુજથી નખત્રાણા વચ્ચે ભારે ઝાપટાં પડતાં ઠેર-ઠેર કેમ્પોમાં પાણી ભરાયા હતા. કેમ્પના આયોજકો વરસાદથી થોડીક મુશ્કેલીમાં મુકાયા હતા. તેમ છતાં ટસના મસ થયા વિના પોતાની સેવા દર વર્ષની જેમ ચાલુ રાખી હતી. ભારે વરસાદ વચ્ચે હિંમત,હોસલા સાથે પદયાત્રીઓ માથે છત્રી, રેઈનકોટ, પ્લાસ્ટિકની સીટ તેમજ યુવાનો,યુવતીઓ, અબાલ-વૃદ્ધો ભીંજાતા ભીંજાતા પોતાની યાત્રાનો પંથ ભારે આનંદ, ઉમંગ અને ઉલ્લાસથી કાપી રહ્યા હતા. તેમજ મોટા કેમ્પો જે વોટરપ્રૂફ ડોમમાં બંધાયેલા હતા. તે પદયાત્રીઓને વરસતા વરસાદમાં આશીર્વાદરૂપ બન્યા હતા. તેમાંય ખાસ કરીને રાત્રીના સમયે આ મોટા ડોમવાળા કેમ્પો ઉયયોગી થઈ રહ્યા હતા.