ગુજરાત

gujarat

By

Published : Feb 21, 2019, 1:22 PM IST

ETV Bharat / state

લોકસભા ચૂંટણી પહેલા કચ્છમાં 22,000 નવા મતદાતાનો સમાવેશ

કચ્છઃ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ કચ્છમાં 22,000 નવા મતદાતાના ઉમેરા સાથે કુલ 14,67,187 મતદારો નોંધાયા છે. તેમજ હજુ પ્રક્રિયા ચાલુ જ હોવાથી મતદારોની સંખ્યા વધે તેવો અંદાજ છે. કચ્છના મતદારો મતદાન પ્રત્યે જાગૃતિ દર્શાવી રહ્યા છે. આ ઉપરાંત આગામી ચૂંટણીમાં આધુનિક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તેમ જણાવાયું છે.

સ્પોટ ફોટો

લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે. આ દરમિયાન કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે, મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. આ અંગે દરેક સમાજ અગ્રણીઓ જાગૃતિ દાખવવી દરેક જ્ઞાતિજનની મતદાર નોંધણીની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરાવવા અપીલ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા તેમજ ખર્ચ સંબંધી ફરિયાદો માટે સીવિજિલ નામે એપ્લિકેશન ડેવલપ કરાઇ છે. જેના મારફતે રજૂઆત કર્તા જે-તે સ્થળેથી ફરિયાદ કરી શકાશે. જે માટે રિયલ ટાઇમ વીડિયો તથા ફોટો મૂકવાના રહેશે. જે મદદનીશ ચૂંટણી અધિકારીને ફોરવર્ડ થશે અને ફરિયાદનો તુરંત જ નિકાલ કરાશે.

વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, વોટર હેલ્પલાઇન ખૂબ ઉપયોગી હોવાનું જણાવી 1950 નંબર પર ડાયલ કરવાથી મતદાર વિગતો જાણી શકશે.
મતદારોની સંખ્યા તથા આયોજન પર વિગતે પ્રકાશ પાડતા નાયબ ચૂંટણી કમિશનર એમ.બી. પ્રજાપતિએ જણાવ્યું કે, 6 તાલુકા મળી કુલ 14,67,187 મતદારો તેમજ સેવા મતદારો 395 નોંધાયા છે. અત્યાર સુધી બેલેટ યુનિટ 2828 અને કન્ટ્રોલ યુનિટ 2280 તૈયાર છે. તથા 2400 વીવીપેટની પ્રાથમિક ચકાસણીનો આજથી પ્રારંભ કરાયો છે.

જિલ્લામાં કુલ્લ 1846 મતદાન મથકો ચૂંટણીપંચ દ્વારા મંજૂર કરાયાં છે તથા છ પૂરક મથકોની દરખાસ્ત તૈયાર કરાઇ છે.

જેમાં માંડવીમાં 2, અંજાર-3, ગાંધીધામ-1નો સમાવેશ થાય છે. તમામ કામગીરી પર દેખરેખ માટે 28 નોડલ ઓફિસરો નિમાયા છે.

મતદારો જિલ્લા ચૂંટણી અધિકારી, નોંધણી અધિકારી, બીએલઓની વિગતો તથા મતદાર યાદીમાં નામ જાણી શકે તે માટે વીવીઆઇપી પ્રોગ્રામ હેઠળ તમામ મતદાન મથકો તથા દૂધ મંડળીઓ ખાતે 2300 બેનર્સ લગાવાયાં છે.

આ ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિર્ધાર્થીઓના વાલીઓ પાસેથી સંકલ્પ પત્રો મેળવવા આયોજન હાથ ધરાયું છે. આ વખતે એમ-3 સિરીઝના નવા વર્ઝન-સુરક્ષા સાથે ઇવીએમ તથા વીવીપેટની કાર્યપ્રણાલીથી મતદારો વાકેફ થાય તે માટે તમામ વિધાનસભા મત વિભાગ માટે ઝોનલ અધિકારીઓ મારફતે નિદર્શન યોજાશે. કલેક્ટર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં નિદર્શન રખાશે.

જિલ્લા કક્ષાના કન્ટ્રોલ રૂમ કલેક્ટર કચેરીમાં ચૂંટણી શાખા ખાતે કચેરી સમય દરમિયાન કાર્યરત છે, જેના ટોલ ફ્રી નં. 1950 છે. જિલ્લામાં 1846માંથી 416 ક્રિટિકલ મતદાન મથકો ફાળવાયા છે. તમામ પ્રક્રિયા માટે 17,411 વિવિધ વર્ગના સ્ટાફ તૈનાત કરાશે તેમજ 191 રૂટ માટે 209 જેટલા ઝોનલ ઓફિસર નિમાશે. વિધાનસભા મત વિભાગ વાર પાંચ મળી કુલ્લ 30 મતદાન મથકોએ તમામ પોલિંગ સ્ટાફ અને સિક્યોરિટી સ્ટાફ મહિલા રખાશે.

ABOUT THE AUTHOR

...view details