બન્ની ઘાસના મેદાનોમાં સરકારના ચિત્તા બ્રીડિંગ સેન્ટર પ્રોજેક્ટને "પ્રથમ ગ્રાસે મક્ષિકા" કચ્છઃ રાજ્ય સરકારે બન્નીમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટે બ્રીડિંગ સેન્ટર માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે પણ મંજૂરી આપી દીધી હતી. જો કે આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકારને "પ્રથમ ગ્રાસે મક્ષિકા" જેવો અનુભવ થયો છે. બન્ની પ્રદેશમાં વસતા પશુપાલકો અને માલધારીઓએ આ પ્રોજેક્ટનો સખત વિરોધ કર્યો છે. સ્થાનિકોએ ઉગ્ર રજૂઆતો કરી અને કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું છે.
શા માટે વિરોધ?: કચ્છનો બન્ની પ્રદેશ ઘાસના મેદાનોથી આચ્છાદિત છે. આ પ્રદેશમાં માલધારીઓ અને પશુપાલકો પોતાના પાલતુ પશુઓના સહારે જીવન નિર્વાહ કરી રહ્યા છે. આ ઘાસના મેદાનોમાં જ પશુઓનો યોગ્ય વિકાસ થઈ આ પશુઓની જાતને માત્ર ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર ભારતમાં ઓળખ મળી છે. આ વિસ્તારમાં પશુપાલન એટલું વિક્સ્યું છે કે બન્ની ભેસને ભારતની 11મી અને ગુજરાતની 4થી નસલ તરીકે માન્યતા મળી છે. બન્ની પ્રદેશને પરિણામે ડેરી ઉદ્યોગનો માતબર વિકાસ થયો છે. આ પ્રદેશમાંથી પ્રતિ દિન 1.50 લીટર દૂધ ડેરીમાં અને ખાનગી વપરાશમાં પૂરુ પાડવામાં આવે છે. જો આ વિસ્તારમાં ચિત્તા જેવા હિંસક પશુઓ વિચરશે જે દૂધાળા પશુઓ માટે હાનિકારક છે. દૂધાળા પશુઓને હાનિ એ સરવાળે પશુપાલકો અને માલધારીઓને નુકસાન કર્તા છે. સ્થાનિકોના મતે આ વિસ્તારમાં અગાઉ ચિત્તા વિચરતા હોવાનો કોઈ લેખિત કે મૌખિક આધાર મળતો નથી. તેથી અહીં ચિત્તાનું બ્રીડિંગ સેન્ટર શરુ કરવું એ દરેક રીતે અયોગ્ય છે. પશુપાલકોનો આરોપ છે કે અમારી સાથે ચર્ચા વિચારણા વિના અને સ્થાનિક પારંપરિક હક્કોની દરકાર કર્યા વિના સરકારે આ નિર્ણય લીધો છે જે ગેરવ્યાજબી છે.
બન્ની ચારિયાણ શ્રેષ્ઠઃ બન્ની વિસ્તારની ભેસ અહીંના ચારિયાણને લીધે વિકાસ અને પ્રસિદ્ધિ પામી છે. વડા પ્રધાન મોદીએ પણ પોતાના વક્તવ્યોમાં અનેકવાર બન્નીની ભેસનો ઉલ્લેખ કર્યો છે. બન્ની ચારિયાણ પશુપાલન સિવાય પણ અહીંના સ્થાનિકો માટે બહુ મહત્વનું છે. પશુપાલન ન કરતા સ્થાનિકો આ મેદાનોમાંથી સુકા લાકડા, ગુંદર, બાવળની ફળીઓ વગેરે પેદાશો એકત્ર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેથી આ વિસ્તારમાં રહેતા પશુપાલકો અને સ્થાનિકોને ચિત્તા બ્રીડિંગ સેન્ટરને પરિણામે તકલીફો થવી સ્વાભાવિક છે. પરિણામે આ વિસ્તારના સ્થાનિકોએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે.
આજ દિવસ સુધી અહીંના બન્ની ઘાસ મેદાનોમાં ચિત્તા હોવાના કોઈ લેખિત કે મૌખિક પુરાવા નથી. છતાય રાજ્ય સરકાર દ્વારા બન્ની લોકો સાથે કોઈ પણ વિચાર વિમર્શ કર્યા વગર સ્થાનિક પારંપરિક હક્કોની દરકાર કર્યા વગર બન્નીમાં ચિત્તા વસાવવા માટે જે દરખાસ્ત કરી જેને ભારત સરકારે પણ મંજૂરી આપી છે. તેનો બન્નીના તમામ માલધારીઓએ વિરોધ નોંધાવ્યો છે. ટુરિઝમને આગળ લાવવું હોય તો અન્ય રીતે પણ લઈ આવી શકાય છે, પરંતુ આવા હિંસક પ્રાણી બન્ની વિસ્તારમાં મૂકવામાં ના આવે તેવી માંગ છે. કલેક્ટરના મારફતે મુખ્ય પ્રધાનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે...ઈસાભાઈ મુતવા(પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન, કચ્છ)
- Kutch News: 15મા બન્ની પશુમેળાનું આયોજન કરાયું, 2008થી ભરાય છે બન્ની પશુમેળો
- Kutch Banni Animal Fair : કચ્છ બન્ની પશુ મેળામાં લાખેણી ભેંસોની દૂધ આપવાની ક્ષમતા અને તંદુરસ્તી મહત્ત્વની, પશુઓનું ખરીદ વેચાણ બજાર