- નખત્રાણામાં પવનચક્કી કંપનીની દાદાગીરી, મહંત પર હુમલો
- અબડાસાના ધારાસભ્ય સહિત ગ્રામજનો પહોંચ્યા પોલીસ મથક
- નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કચ્છ : પવનચક્કીના કારણે ઘણા પક્ષીઓના મોત થતા હોય છે, ત્યારે, છેલ્લાં એક મહિનાથી નખત્રાણા તાલુકાના સાંગનારા, નાની વિરાણી, મોટી વિરાણી ગામની રક્ષીત ગૌચર જમીન પર પવનચક્કી લગાડવા આવી ચડેલા કંપનીના કર્મીઓને ગ્રામજનોએ ટાવર લગાડતા રોકવામાં આવતા, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ પરિસ્થિતિ થાળે પાડવા કોશિશ કરી હતી. જેના પંદર દિવસ બાદ પણ પરિસ્થિતિ થાળે પડવાના સ્થાને વધુ વણસી રહી છે.
બળજબરી પૂર્વક વીજ વાયરો પસાર કરાયા
કચ્છના બારડોલી સમાન નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવનચક્કીની કંપનીઓ દ્વારા બળજબરીપૂર્વક વીજ વાયરો પસાર કરવા માટે ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર ખેડૂતો દ્વારા કંપનીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં ખેડૂતોનો અવાજ દબાવી તેમની માંગો અવગણીને કંપનીઓ દ્વારા દાદાગીરી પૂર્વક કામગીરી કરાઈ રહી છે. તેવામાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના ગામ એવા મોટી વિરાણીમાં રવિભાણ આશ્રમના લઘુ મહંત સુરેશદાસજી બાપુ પર હુમલો કરવામાં આવતા ગ્રામજનો અને ખેડૂતો રોષે ભરાયાં છે.
સંત પર થયેલા હુમલા કરવામાં આવતા વિરોધ
મળતી માહિતી મુજબ, નખત્રાણાના મોટી વીરાણીમાં સનપાવર કંપની સામે કિસાન સંઘના આગેવાનો તેમજ ગ્રામજનો ખફા થયા છે. કંપની દ્વારા ગામમાં રામવાડી વિસ્તારમાં પાથરવામાં આવતી વીજ લાઈન બાબતે સ્થાનીક ખેડૂતો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી વિરાણી રવિભાણ આશ્રમના લઘુ મહંત સુરેશદાસજી બાપુની આગેવાનીમાં કંપનીનો વિરોધ નોંધાવાયો હતો. જેમાં કંપનીના જવાબદારોએ લઘુ મહંતને માર મારીને હુમલો કરતા મામલો ગરમાયો હતો. સંત પર થયેલા હુમલાને પગલે ગ્રામજનો અને કિસાનોની લાગણી દુભાઈ હતી. જેને કારણે મોટી સંખ્યામાં કિસાનો અને ગ્રામજનો નખત્રાણા પોલીસ મથકે ધસી આવ્યા હતા અને કંપનીઓ દ્વારા ચલાવાતી દાદાગીરી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત
આ દરમિયાન અબડાસાના ધારાસભ્ય અને મોટી વિરાણીના જ વતની પ્રદ્યુમનસિંહ જાડેજા, કાનજી દાદા કાપડી સહિતના આગેવાનો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા. નખત્રાણા વિભાગના DySP વી. એન. યાદવને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ કાનજી દાદા કાપડીએ ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઉપરાંત, સંત ઉપર થયેલા હુમલાને નિંદનીય ગણાવ્યો અને કસૂરવારો સામે કડક પગલા લેવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી.
કંપનીના જવાબદાર વ્યક્તિ દ્વારા માફી
આજરોજ સોમવારે નખત્રાણા તાલુકાના વિરાણી ગામમાં જે કંપની દ્વારા સાધુ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, તે મામલે કંપનીના જવાબદાર વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવી જાહેરમાં માફી મંગાવી સમાધાન કરવામાં આવ્યું હતું.