કચ્છ : જનરલ નરવણેએ રણ અને કચ્છ સરહદે તૈનાત સલામતી દળો પાસેના આધુનિક સાધનો અંગે ઝીણવટભરી પૂછપરછ કરી હતી. સેનાધ્યક્ષે રણ અને તેમાં પણ ક્રીક સરહદે લશ્કરી તૈયારી અને સજ્જતાની સમીક્ષા પણ કરી હતી. ખાસ વિમાન દ્વારા ભુજ પહોંચેલા લશ્કરી વડાને અહીંના આર્મી કેમ્પમાં સધન કમાન્ડના વડા લેફટન્ટ સી.પી. મોહતીએ કચ્છ સરહદ અંગે એક વિગતવાર બ્રિફિંગ આપ્યું હતું.
સેનાધ્યક્ષે જવાનોને કોરોનાથી સાવચેત રહેવા કર્યો અનુરોધ, જાણો કચ્છ મુલાકાત વિશે - સેનાધ્યક્ષ જનરલ મુકુંદ નરવણે
સેનાધ્યક્ષ જનરલ મુકુંદ નરવણે કચ્છની રણ અને ક્રીક સરહદની મુલાકાત લઇને આ વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારના વ્યુહાત્મક મહત્વની જાત માહિતી મેળવી હતી, આ ઉપરાંત જવાનોને શાબાશી આપવા સાથે કોરોના સામે સાવધ રહેવા પણ અનુરોધ કર્યો હતો.
![સેનાધ્યક્ષે જવાનોને કોરોનાથી સાવચેત રહેવા કર્યો અનુરોધ, જાણો કચ્છ મુલાકાત વિશે Etv Bharat, Gujarati News, Kutch News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6438251-245-6438251-1584428880593.jpg)
આ મિટિંગમાં લશ્કરી વડા તેમની સાથેના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ હેલિકોપ્ટર દ્વારા કોટેશ્વર ગયા હતા. ત્યાં તેઓએ ક્રીક વિસ્તાર અંગે વિગતે માહિતી મેળવી હતી. સીમા સુરક્ષા દળની કોટેશ્વર જેટી પર તૈનાત રખાયેલા કોસ્ટગાર્ડના હોવરક્રાફટ દ્વારા આ ઉચ્ચ અધિકારીઓએ લગભગ અડધા કલાકમાં કોરી ક્રીક વિસ્તારની મુલાકાત પણ લીધી હતી. આ વિસ્તારમાં તૈનાત લશ્કર અને સીમાદળના જવાનો સાથે સંવાદ સાધીને જનરલ નરવણે રણ અને ક્રીક અને દુર્ગમ સરહદ પર તમામ વિષમ હવામાનમાં ફરજ બજાવવા બદલ તેમને બિરદાવ્યા હતા.
લશ્કરી વડાએ આ જવાનોની નિ:સ્વાર્થ ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી હતી. હાલ વિશ્વભરમાં ગંભીર બની રહેલા કોરોના વાયરસના કહેર સામે સાબદા રહેવા વ્યક્તિગત સ્વચ્છતા પર ધ્યાન આપવા તેમણે જવાનોને અને અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તે દરમિયાન તેમની મુલાકાત સાથે સુરક્ષા બાબતે કોઈ નિર્ણય લેવાયો છે કે કેમ તે બાબતો સ્પષ્ટ થઈ નથી, પરંતુ સેનાધ્યક્ષની કચ્છ સરહદની મુલાકાતે ખુબ મહત્વપુર્ણ ગણાવાઈ રહી છે.