ગુજરાત

gujarat

ETV Bharat / state

મુકુંદ નરવણે કચ્છની મુલાકાતે, ક્રિકની સુરક્ષા અંગે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય - જનરલ નરવણે

દેશના લશ્કરના સર્વોચ્ચ વડા જનરલ મુકુંદ નરવણે આજથી બે દિવસીય કચ્છ મુલાકાતે પહોંચ્યા છે. તેમની આ મુલાકાતને ખુબ જ સૂચક માનીને જાણકારો કચ્છ સરહદે અને ખાસ કરીને ક્રિક વિસ્તારની સલામતી વ્યવસ્થાને અત્યંત સંવેદનશીલ કરવા સાથે મહત્વના ફેરફાર તરફ ઈશારો કરી રહ્યા છે. રજાયના મહેમાન તરીકે આજે સવારે ખાસ પ્લેન મારફતે ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા લશ્કરના વડા ભૂજ પહોંચ્યા છે. તેમજ કચ્છ સરહદની વિવિધ મુલાકાત સાથે જાત માહિતી મેળવી રહ્યાં છે.

kutch
કચ્છ

By

Published : Mar 16, 2020, 2:32 PM IST

કચ્છ : દેશના લશ્કરના સર્વોચ્ચ વડા જનરલ મુકુંદ નરવણે બે દિવસીય કચ્છ મુલાકાતે પહોંચ્યા છે, ત્યારે આ મુલાકાત સાથે જમીન અને સાગર તથા હવાઇ સરહદથી પાકિસ્તાન સાથે જોડાયેલી કચ્છની ભૂમિ સરહદ ઉપરાંત ક્રીક સરહદ સહિતના સ્થાનો પરત્વે મહત્ત્વના નિર્ણય લેવા તરફ પગલા મંડાય તેવી સંભાવના પણ જોવાઇ રહી છે. આ મુલાકાતમાં લશ્કરના લેફ્ટનન્ટ જનરલ સી.પી. મોહંતી અને જોધપુરના કોર કમાન્ડર સહિતનો કાફલો પણ જોડાયા છે.

સુત્રોના કહેવા મુજબ કચ્છ સરહદેથી વધેલી કેફીદ્રવ્ય (ડ્રગ્સ)ની હેરાફેરી, અવિરત ઘૂસણખોરી પ્રવૃત્તિ અને અટપટા ક્રીક વિસ્તારનો લાભ લઇને અવારનવાર થઇ રહેલાં ઊંબાડિયાં ઉપરાંત સામેપાર પાકિસ્તાન દ્વારા વધેલી હરકતો અને હિલચાલના લીધે દેશની સલામતીને લઇને સૌનું ધ્યાન કચ્છ તરફ ખેંચાયું છે. તો વર્તમાન માહોલમાં આ સ્થિતિ વધુ વિચારણા માગી લેનારી બની રહી છે.

સેનાધ્યક્ષ મુકુંદ નરવણે કચ્છની મુલાકાતે, ક્રિકની સુરક્ષા અંગે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય

આ સ્થિતિમાં જનરલ નરવણે તેમની આ મુલાકાત દરમિયાન હેલિકોપ્ટર મારફતે ક્રીક સહિતના વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે. તો તાબાના અધિકારીઓ સાથે સરહદે ગોઠવાયેલી સમગ્ર વ્યવસ્થાની જાત માહિતી પણ મેળવશે. તેમની આ મુલાકાત બાદ કચ્છ સરહદને સંલગ્ન મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી પાકી સંભાવનાઓ જોવાઇ રહી છે. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અત્યારે કચ્છની ભૂમિ સીમાની રક્ષા માટે સીમા સુરક્ષા દળ તૈનાત છે. તો ક્રીક સરહદે પણ આ જ દળ રક્ષણની વ્યવસ્થા સંભાળે છે. સેનાના વડાની મુલાકાત બાદ મહત્ત્વના અને ઐતિહાસિક કહી શકાય તેવા નિર્ણયમાં સરહદે સંરક્ષણની મુખ્ય જવાબદારી હવે લશ્કરને સોંપવામાં આવે તેવી વિગતો સપાટી ઉપર આવવા લાગી છે. આવો જ નિર્ણય ક્રીક સરહદ માટે પણ લેવાય અને અત્યારે મુખ્ય ભૂમિકા સંભાળતું સીમાદળ સલામતીની વ્યવસ્થા માટેની દ્વિતીય હરોળમાં આવી જાય તેવું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે, ગત જાન્યુઆરીમાં કચ્છની મુલાકાતે આવેલા બોર્ડર મેનેજમેન્ટ સચિવ એન.એન. સિંહાએ કચ્છની કાંઠાળ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. અગાઉ પણ આવા જ મત પણ ઉચ્ચ અધિકારીઓ અને તજજ્ઞો વ્યક્ત કરી ચૂક્યા છે. લશ્કર વડા સરહદની મુલાકાત બાદ ભુજ આવી અધિકારીઓ સાથે બેઠક યોજશે. તેમજ રાત્રિ રોકાણ ભુજમાં કર્યા બાદ મંગળવારે સવારે તેઓ પરત જવા રવાના થશે.

ABOUT THE AUTHOR

...view details