કચ્છ: વર્ષ 2006માં કચ્છને નર્મદાના વધારાના એક મીલિયન એકર ફૂટ પાણી ફાળવવાની તત્કાલિન રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ લાંબા સમય સુધી આ દિશામાં કોઇ કાર્યવાહી ન થતાં ભારતીય કિસાન સંઘ(Bhartiya Kisan Sangh) દ્વારા કલેક્ટરને આવેદન આપીને નાના મોટા ધરણાના કાર્યક્રમો યોજાયા હતા. જેમા કચ્છને તાત્કાલિક વધારાના પાણી ફાળવાય તે માટે વખતો વખત રજૂઆત કરાઇ છે.
વડાપ્રધાને પણ પાણી માટે લેખિત માગ કરાઇ હતી
22મી માર્ચ 2021ના વડાપ્રધાન અને મુખ્યપ્રધાન સમક્ષ વધારાના પાણી માટે વહીવટી મંજૂરી આપવા લેખિત માગ કરાઇ હતી. ત્યાર બાદ પણ અનેકવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ, કચ્છના તમામ ધારાસભ્યો અને સાંસદ વિનોદ ચાવડાને રૂબરૂ મળીને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરાઇ છે. છતાં પણ પત્રનો પ્રત્યુત્તર પાઠવવાની તસ્દી પણ લેવામાં નથી આવી તેવું ભારતીય કિસાન સંઘ કચ્છના(Kutch Bhartiya Kisan Sangh) પ્રમુખે જણાવ્યું હતું.
3જી જાન્યુઆરીના કરાયેલ ધરણાં બાદ પણ સરકારે કોઈ પગલાં ના ભર્યા
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધારાના પાણી માટે 3475 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. જેની વહીવટી મંજૂરી આજ સુધી અપાઈ નથી. આ અંગે પણ અનેક રજૂઆત કરાઈ છે તેમ છતા પણ કોઇ કાર્યવાહી ન થતાં સરકારને જગાડવા કચ્છના 600 જેટલા ગામોમાં ગત 22 ડિસેમ્બરના નર્મદા મૈયાની સામૂહિક આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ગત 24 ડિસેમ્બરના મુખ્યપ્રધાનને રજૂઆત પણ કરવામાં આવી હતી. જેમાં 2મી જાન્યુઆરી સુધીમાં વધારાના પાણીના કામોની વહીવટી મંજૂરી આપવાની માંગ કરાઇ હતી. આખરી મહેતલ આપવા છતાં પણ સરકારે કોઇ પગલાં ન ભરતાં ત્રીજી જાન્યુઆરીના કચ્છના તમામ તાલુકા મથકોએ ભારતીય કિસાન સંઘ દ્વારા ધરણા યોજીને મામલતદારના માધ્યમથી મુખ્યપ્રધાન સમક્ષ માંગ દોહરાવાઇ હતી.
ધરણાના અંતે ફરી એકવાર આવેદનપત્ર પાઠવવામાં આવશે
ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ અનેક વાર રજૂઆતો કરવા છતાં કચ્છને વધારાના પાણી ફાળવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા. ત્યારે ફરી જિલ્લા મથક ભુજમાં ટીન સિટી ગ્રાઉન્ડ(Movement at Tent City Ground in Bhuj) ખાતે સવારે 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી ધરણા યોજવામાં આવ્યા છે. આ ઉપરાંત ધરણાના અંતે ફરી એકવાર કલેક્ટરના માધ્યમથી મુખ્યપ્રધાનને આવેદનપત્ર પાઠવીને કચ્છને નર્મદાના વધારાના પાણી માટે યુધ્ધના ધોરણે વહીવટી મંજૂરી આપવાની માંગને પુનરાવર્તિત કરવામાં આવશે. તથા નર્મદાના નીરની માંગ(Demand for Narmada Water in Kutch) પૂરી કરવા 20મી જાન્યુઆરી સુધી આખરી મહેતલ આપવામાં આવશે.