કચ્છ :જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે એ જણાવ્યુ હતું કે, આ માટેનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. પહેલા તંત્ર દ્વારા તમામ લોકોને 14 દિવસ હોમ કોરોન્ટાઈન કરવામાં આવતા હતા પણ હવે સંક્રમણ વધુ ફેલાઈ શકે તે દ્રષ્ટિએ આ નવો આદેશ કરાયો છે. આ માટે દરેક તાલુકા કક્ષાએ નોડેલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત તાલુકા મથકોએ સંસ્થાગત અને ખાનગી ધોરણે સુવિધા અપાશે. જે લોકો પોતાના ખર્ચે હોટલમાં કોરોન્ટાઈન થવા માંગતા હશે, તેમને તંત્ર લીસ્ટ આપશે. આ પછી સાત દિવસે તેમને રજા અપાશે. આ કારણે સાતમા દિવસ જે તે ગામમાં પહોંચતા આ લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવશે.
કચ્છમાં આવનાર તમામ લોકો હવે 7 દિવસ ફરજિયાત સરકારી કોરોન્ટાઈનમાં રહેશે. જાણો વિગતો... - રેડઝોન
કચ્છમાં કોરોના કહેર વચ્ચે લોકડાઉન પાર્ટ 3 પછી મળેલી છુટછાટને પગલે અન્ય પ્રાંતો અને ખાસ કરીને રેડઝોનમાંથી આવતા લોકોને કારણે મહામારીનું સંક્રમણ ફેલાવાનુ શરૂ થઈ ગયા પછી અંતે તંત્રએ હવે કચ્છ જિલ્લામાં આવનાર તમામ લોકોને સાત દિવસ સરકારી કોરોન્ટાઈન અને સાત દિવસ હોમ કોરોન્ટાઈનો આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા તંત્રએ એકશન પ્લાન સાથે લોકોને હોમ કોરોન્ટાઈન કરવાની કામગીરી આદરી હતી. જો કે, અનેક લોકો નિયમોનું પાલન કરતા નહોતા, આ અંગે ફરિયાદો બાદ ગુના પણ નોંધાયા છે. પરંતુ મુંબઈથી રેડઝોનથી આવેલા લોકોમાંથી પોઝિટિવ કેસ નોંધાયા બાદ કચ્છમાં ચિતાનો માહોલ હતો. એક તરફ કચ્છી લોકો પોતાના વતન આવી રહ્યા હતા. તો બીજી તરફ લોકોમાં સંક્રમણનો ડર ફેલાયો હતો. આ સ્થિતિમાં તંત્રએ રાજય સરકાર સાથે ચર્ચા બાદ આ જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામાની સૂચના મુજબ રેલવે મારફતે આવતા પ્રવાસીઓ, શ્રમિકો, વિધાર્થીઓએ દિન-7 માટે અત્રેથી નિયત કરવામાં આવેલ સંસ્થાકીય કોરોન્ટાઇન સેન્ટર ખાતે કોરોન્ટાઇન થવાનું રહેશે. ત્યારબાદ રસ્તા માર્ગે અન્ય રાજયમાંથી કચ્છ જિલ્લામાં આવતા તમામ લોકો તેમજ ગુજરાત રાજયના રેડઝોનમાંથી અત્રેના જિલ્લામાં આવતા લોકોએ નિયત કરાયેલ સંસ્થાકીય (Institutional) કોરોન્ટાઇન સેન્ટર ખાતે ફરજીયાત 7 (સાત) દિવસો અને ત્યારપછીના 7 (સાત) દિવસો માટે હોમ કોરોન્ટાઇન થવાનું રહેશે. જેમા નિયત દર અને નિયમો લાગુ પડશે.
અન્ય રાજય/જિલ્લામાંથી આવતા લોકો પાસે અધિકૃત વેલીડ પાસ/પરમીટ હોવી જોઇશે. અન્યથા આ જિલ્લામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ફોર વ્હીલર/પેસેન્જર વાહનોથી આવતા લોકો માટે વાહનની કેપેસીટીના 50 ટકા વ્યકિતની (ડ્રાઇવર સહિત) પરવાનગી માન્ય રહેશે. અન્ય રાજયો/જિલ્લામાંથી આવતા લોકોએ સક્ષમ સરકારી આરોગ્ય અધિકારીનું Covid-19 Symtoms Free (લક્ષણો રહિત) હોવાનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે. જે પ્રમાણપત્ર 72 કલાક પહેલાનું હશે તો માન્ય રહેશે નહીં. માલવાહક વાહનોના ડ્રાઇવરોને ઉકત કોરોન્ટાઇનની જોગવાઇ લાગુ પડશે નહીં તેમ સતાવાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું.