કચ્છઃ કચ્છ મ્યુઝિયમમાં આવેલી એક લાકડાની પ્રતિકૃતિ કચ્છ અને કોચીન વચ્ચે સંબંધ બનાવે છે. કચ્છ મ્યુઝિયમમાં આવેલી ઇન્દ્ર દેવના વાહન ઐરાવત હાથીની (Airavat Elephant of Kutch Museum ) લાકડાની પ્રતિકૃતિ હજારો કિલોમીટર દૂર બે જિલ્લા અને ત્રણ ધર્મ સાથે સંકળાયેલ છે. આપણા ભારતમાં દરેક વિસ્તાર અને સમાજની પોતાની એક આગવી કળા અને પરંપરા હોય છે અને ઘણી વખત વિવિધ કળા પરંપરાઓ સાથે મળી સમાજો અને વિસ્તારો વચ્ચે સંબંધ બનાવે છે. આવી જ રીતે ભુજ ખાતે આવેલ કચ્છ મ્યુઝિયમમાં સફેદ હાથીની એક વિશાળ પ્રતિકૃતિ દર્શકોનું સ્વાગત કરે છે.
20મી સદીમાં કેરળ રાજ્યના કોચીનમાં બની હતી
સામાન્ય વ્યક્તિને આ પ્રતિકૃતિ વધુમાં વધુ ફક્ત કોતરણીકામ અને ચિત્રકળાનું એક સુંદર નમૂનો લાગે. ઇન્દ્રદેવનું વાહન (Indradev ride Airavat Hathi ) મનાતા ઐરાવત હાથીની (Airavat Elephant of Kutch Museum ) આ પ્રતિકૃતિ 20મી સદીમાં કેરળ રાજ્યના કોચીનમાં બની હતી. આ પ્રતિકૃતિ 2300 કિલોમીટર દૂર બે અલગ અલગ વિસ્તારો વચ્ચે સંબંધ ધરાવે છે. ત્યાંથી આ પ્રતિકૃતિ કચ્છના માંડવી ખાતે આવી હતી અને અહીંના શાંતિનાથ જૈન દેરાસરમાં (Mandvi Shantinath Derasar ) રાખવામાં આવી હતી. માંડવીના આ દેરાસરમાં ધાર્મિક રેલીઓ વખતે આ લાકડાની પ્રતિકૃતિને પણ સાથે લઈ જવામાં આવતી હતી.
હાથી પર રંગબેરંગી કચ્છી કમાંગણી ચિત્રકામ કરવામાં આવ્યું છે
આ પ્રતિકૃતિ અંગે વાતચીત કરતા કચ્છ મ્યુઝિયમના કયુરેટર શેફાલીકા અવસ્થીએ જણાવ્યું હતું કે, આ પ્રતિકૃતિ જે કોચીનમાં બનેલી છે અને આ પ્રતિકૃતિની ખાસિયત એ છે કે સફેદ રંગના હાથી પર (Airavat Elephant of Kutch Museum ) રંગબેરંગી કચ્છી કમાંગણી ચિત્રકામ કરવામાં આવ્યું છે. સંભવિતપણે કચ્છમાંથી કોઈએ કોચીનના કારીગરોને આ પ્રકારના ચિત્રકામ વાળી પ્રતિકૃતિ બનાવવા ઓર્ડર આપવામાં આવ્યું હોય અથવા તો કોચીનમાં ફક્ત મૂર્તિ બની હોય અને કચ્છમાં લાવ્યા બાદ તેના પર ચિત્રકામ કરવામાં આવ્યું હોય.