નલિયા: અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરુ થઈ ગયો છે. કલેક્ટર અને પોલીસવડાની નલિયામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત કાયદો – વ્યવસ્થા અંગે ચર્ચા કરવા તાલુકાના રેવેન્યુ, પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અબડાસા વિઘાનસભાની પેટા ચુંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા થયા બાદ ચુંટણીલક્ષી કામગીરીનો શરુ થઈ ગઈ છે. ગુરુવારે કલેક્ટર અને જીલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં કાયદો – વ્યવસ્થાની સમીક્ષ બેઠક નલિયા પ્રાંત કચેરી ખાતે મળી હતી.
અબડાસા વિધાનસભાની આગામી પેટા ચૂંટણી અંતર્ગત જીલ્લા ચૂંટણી અધિકારી સહ કચ્છના કલેક્ટર પ્રવિણા ડી કે દ્વારા રેવેન્યુ અને પોલીસ તંત્ર સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી઼ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંગ સાથે અબડાસા, લખપત અને નખત્રાણાના પોલીસ અધિકારીઓ, મામલતદાર સાથે 1 - અબડાસા વિધાનસભા ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત દ્વારા જરુરી માહિતી આપવામાં આવી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ વિવિધ બુથ પરની વ્યવસ્થા તથા સંવેદનશીલ મથકોની ચર્ચા કરવામાં આવી હતી઼. અધિકારીઓ દ્વારા બેઠક બાદ વિવિધ બુથની મુલાકાત લઈ જાત નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
અબડાસા પ્રાંત અધિકારી ઝાલાની મોરબી પ્રાંતમાં બદલી થયા બાદ મોરબી પ્રાંતની અબડાસામાં થયેલી બદલી રદ્દ થતા નખત્રાણા પ્રાંત અધિકારીએ બુધવારે જ અબડાસા પ્રાંતનો ચાર્જ સંભાળતા જ તેમના શીરે રાજ્યના સૌથી મોટા વિધાનસભા વિસ્તારની ચૂંટણીની જવાબદારી આવી ગઈ છે.