કચ્છ: કચ્છ જિલ્લામાં અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીને પગલે શનિવારના રોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના આગેવાનો કચ્છ આવી પહોંચ્યા હતા અને અબડાસા મત વિસ્તારમાં વિવિધ બેઠકો યોજી હતી. વધુમાં કોંગી આગેવાને જણાવ્યું કે, અબડાસામાં સર્વાનુમતે અને વફાદાર ઉમેદવાર નક્કી કરાશે.
અબડાસા પેટા ચૂંટણી: કોંગ્રેસના નિરીક્ષકો કચ્છ પહોંચ્યા, 2 દિવસ કરશે પ્રવાસ અને મીટિંગ
કચ્છ જિલ્લામાં અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીને પગલે શનિવારના રોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના આગેવાનો કચ્છ આવી પહોંચ્યા હતા અને અબડાસા મત વિસ્તારમાં વિવિધ બેઠકો યોજી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન સી. જે. ચાવડા, હીરાભાઈ અને નૌશાદ સોલંકી કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. ભુજ સર્કિટ હાઉસ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા અને આગેવાનો સાથે આ ટીમે બેઠક યોજી હતી.
બેઠકમાં કોંગી આગેવાને જણાવ્યું કે, ગુજરાતની પ્રજાએ પક્ષાંતરને હંમેશા જાકારો આપ્યો છે. ચૂંટણીઓમાં ગુજરાતના સ્થાનિક વિવિધ મુદ્દાઓ સાથે કોંગ્રેસ મતદારો સમક્ષ જશે. જો કે અબડાસા વિધાનસભા કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવી રહી છે.
કોંગી આગેવાને જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો પ્રજા સમક્ષ ગરીબો અને વિદ્યાર્થીઓના પ્રશ્નો સાથે પહોંચ્યા હતા, ત્યારે ભાજપની સરકારે મૂડીવાદીઓના જમીનના ફાયદાના કાયદા લઈ આવી છે. લોકોના દુઃખ દૂર કરવાને બદલે સરકારે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ પેટા ચૂંટણીઓનાં આ સ્થાનિક મુદ્દાઓ ઉપરાંત અબડાસામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રજા સાથે દ્રોહ કર્યો છે. અબડાસામાં પક્ષ પલટો મુખ્ય મુદ્દો રહેશે.
અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની પસંદગી સર્વાનુમતે અને વફાદાર હશે તેઓ ઉમેદવાર નક્કી થશે તેમ જણાવીને ચાવડાએ કહ્યું હતું કે, આજની બેઠકમાં મુદ્દા આધારિત રણનીતિ ઘડવામાં આવી હતી.