ગુજરાત

gujarat

ETV Bharat / state

યોગ દિવસઃ દક્ષિણાયન અને સૌથી લાંબા દિવસ સાથે સૂર્ય ગ્રહણનો અદભુત સંયોગ...જાણો સંપુર્ણ વિગત અને વિશેષ - સુર્યગ્રહણ

આવતી કાલે યોગ દિવસ, દક્ષિણાયન અને સૌથી લાંબા દિવસ સાથે સૂર્ય ગ્રહણનો અદભુત સંયોગ બની રહ્યો છે. ત્યારે ગોળ વિજ્ઞાનના ક્ષેત્રે કામ કરતી સ્ટારગેઝીંગ ઇન્ડિયા દ્વારા લોકોને અફવાથી નહી ગભરાવા તથા કુદરતની પડછાયાની રમતને સલામતી સાથે માણવા અપીલ કરવામાં આવી છે.

સૂર્ય ગ્રહણનો અદભુત સંયોગ
સૂર્ય ગ્રહણનો અદભુત સંયોગ

By

Published : Jun 20, 2020, 7:07 PM IST

Updated : Jun 20, 2020, 10:59 PM IST

કચ્છ: આવતી કાલે રવિવારે 21 જૂન 2020ના રોજ થનારું કંકાણાકૃતિ સૂર્યગ્રહણ કચ્છ/ગુજરાતમાંથી ખંડગ્રાસસ્વરૂપે સવારે 09:58 થી 13-23 વાગ્યા દરમ્યાન કુલ 03 કલાક 24 મિનીટ સુધી જોઈ શકાશે. આંતરાષ્ટ્રીય યોગ દિન, વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૂર્યના દક્ષિણ તરફના ભ્રમણ સાથે સૂર્યના દિન રવિવારે થનાર સૂર્ય ગ્રહણે લોકોમાં ઉત્કંઠા જગાવી છે. તેમજ કોરોનાની મહામારી, ભારત ચીન તણાવ જેવી બાબતોને લઈને લોકોમાં આશંકાની લાગણી જન્માવી છે ત્યારે ખગોળ વિજ્ઞાનના ક્ષેત્રે કામ કરતી સ્ટારગેઝીંગ ઇન્ડિયા દ્વારા લોકોને અફવાથી નહિ ગભરાવા તથા કુદરતની પડછાયાની રમતને સલામતી સાથે માણવા અપીલ કરવામાં આવી છે.

યોગ દિવસઃ દક્ષિણાયન અને સૌથી લાંબા દિવસ સાથે સૂર્ય ગ્રહણનો અદભુત સંયોગ...જાણો સંપુર્ણ વિગત અને વિશેષ
આ ગ્રહણ મૂળ રીતે કંકણાકૃતિ પ્રકારનું સૂર્ય ગ્રહણ છે, આ ગ્રહણની શરૂઆત પૃથ્વી પર મધ્ય આફ્રિકાના કોંગોથી થશે. ત્યારબાદ આ ગ્રહણપથ દક્ષિણ સુદાન, યમન, ઓમાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઇ ભારતમાં રાજસ્થાનના સિરસાથી કુરુક્ષેત્ર, યમુનાનાગર, જોશીમઠ થઈ નેપાળના કાઠમંડુ, તિબેટ ચીન તાઇવાન સુધી આગળ વધશે. ભારતમાં ઉપર જણાવેલા સ્થળોએ મહતમ કંકણાકૃતિ ગ્રહણ જોવા મળશે જયારે બાકીના ભારત અને ગુજરાતમાં તે દિવસે ખંડગ્રાસ પ્રકારનું સૂર્યગ્રહણ જોવા મળશે.સૂર્યગ્રહણ અંગે વિશેષ માહિતી આપતા સ્ટારગેઝીંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર એ જણાવ્યું હતું કે, સૂર્ય ગ્રહણ હમેશા અમાસના દિવસે જ થાય છે, કારણ કે, માત્ર અમાસના દિવસે જ સૂર્ય અને ચંદ્ર સીધી લીટીમાં હોય છે અને તેમનું કોણીય અંતર શૂન્ય ડીગ્રી હોય છે. ચંદ્રનો પરિક્રમા પથ અને પૃથ્વીનો પરિક્રમા પથ એકબીજાને જ્યાં છેદે છે તે છેદન બિંદુ ઉપર સૂર્ય અને ચંદ્ર આવે છે ત્યારે આપણને સૂર્યગ્રહણ જોવા મળે છે.

આ છેદન બિંદુઓને ભારતીય ખગોળમાં રાહુ અને કેતુના નામે ઓળખવામાં આવે છે. આકાશમાં મોટા ભાગે સૂર્ય અને ચંદ્ર આપણને એક સરખા કદના જોવા મળતા હોય છે કારણ કે, સૂર્ય એ ચંદ્ર કરતા લગભગ 400 ગણો મોટો તો છે પરંતુ તેનાથી 400 ગણો દુર પણ છે. આ પદાર્થો સંપૂર્ણ ગોળાકાર પરિક્રમા કરતા ન હોઈ પરસ્પર અંતરમા વધ ઘટ થતી હોય છે જેથી તેમના દેખીતા કદ માં પણ વધ ઘટ થતી હોય છે.

સુપરમૂનની ઘટના પણ આ કારણથી જ થતી હોય છે. 21મી જૂને ચંદ્રનું કદ સૂર્યથી પ્રમાણમાં નાનું હોય તે સૂર્યના સંપૂર્ણ બિંબને ઢાંકી શકશે નહીં. ચંદ્ર સૂર્યની વચ્ચે તો આવી જશે પરંતુ ચંદ્રની તકતી સૂર્યની તકતીને પૂરેપૂરી ઢાંકી શકશે નહીં, જેથી સૂર્યની ચમકતી કોર અગ્નિ વર્તુળ જેવી દેખાય છે. જેને અંગ્રેજીમાં રીંગ ઓફ ફાયરના નામે ઓળખવામાં આવે છે. સૂર્ય બંગડી(કંકણ) આકારે દેખાતો હોવાથી તેને કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ કહેવાય છે.

આ ગ્રહણ શા માટે વિશેષ છે તે અંગે વાત કરતા કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી અને સ્ટારગેઝીંગ ઇન્ડીયાના સંસ્થાપક નરેન્દ્ર ગોર જણાવે છે કે, આ પહેલા કંકણાકૃતિ ગ્રહણ બરાબર 6 માસ પહેલા 26 ડિસેમ્બરના જોવા મળેલું હતું જેનો લોકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૂર્યગ્રહણ જોવું એ એક દુર્લભ ઘટના છે, જે કોઈ એક સ્થળ પરથી જવલ્લે જ જોવા મળે છે. આ સૂર્યગ્રહણ બાદ છેક 2034માં ભારતમાંથી સૂર્યગ્રહણ જોવા મળશે તો આવી વિરલ ઘટનાનો સૌ કોઈ વૈજ્ઞાનિક અભિગમ સાથે સમજીને અભ્યાસ કરે તે ઇચ્છનીય છે.

સૂર્યગ્રહણને જોવામાં કેટલીક તકેદારીઓ રાખવી અત્યંત જરૂરી છે, સૂર્યની સામે નરી આખે જોવાથી આંખને કાયમી નુકશાન થઇ શકે છે, જેથી સૂર્યની સામે યોગ્ય અને સલામત ફિલ્ટર વિના જોવું નહિ. સામાન્ય પરિસ્થિતિમાં સૂર્યની સામે થોડી ક્ષણોથી વધુ જોઈ શકાતું હોતું નથી, અને તેટલા સમયમાં આંખની કિકી ઝીણી થઇ જાય છે, કે આંખમાં પાણી આવી જાય છે, જે આપણી આંખની પ્રતિકારક પ્રક્રિયા છે, જેના કારણે આંખને નુકશાન થતું અટકે છે, હવે જયારે ગ્રહણ વખતે પ્રકાશની તિવ્રતામાં ઘટાડો થાય છે પરંતુ એના વિકિરણોની તિવ્રતામાં ઘટાડો થતો નથી જેથી આંખને કાયમી નુકશાન થવાની સંભાવના વધી જાય છે.

જેથી સૂર્યગ્રહણને નરી આંખે ન જોવા સલાહ છે, તેના માટે યોગ્ય વૈજ્ઞાનિક ફિલ્ટર તથા 14 નંબરનો વેલ્ડીંગ ગ્લાસ ઉપયોગમાં લઇ શકાય અથવા સૂર્યનું પ્રોજેક્શન કરી ગ્રહણ નિહાળી શકાય પરંતુ એક્ષરે ફિલ્મ, ફોટોગ્રાફિક ફિલ્મ, પાણીમાં પ્રતિબિંબ જેવી તમામ અવૈજ્ઞાનિક પદ્ધતિઓથી આંખને નુકશાન થવાની સંભાવના વધારે રહેલી છે.

Last Updated : Jun 20, 2020, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details