- દારૂની લત છોડાવવા માટે એક અનોખું અભિયાન
- દારૂ પીનારા વ્યક્તિને થતી રાતભર પાંજરામાં કેદ
- 1,200 રૂપિયાના દંડની બીકે દારૂ પીનારાઓનું પ્રમાણ નહિવત થઈ ગયું
કચ્છ: ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ (Ban on Alcohol in Gujarat) છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે લોકો દારૂના નશામાં આખું ગામ માથે લઈ લે છે અને ગામમાં લોકો સાથે ઝઘડા કરતા હોય છે. એવામાં કચ્છ (Kutch)ના માંડવી (Mandvi) તાલુકાના ગઢશીશા (Gadhshisha) ગામના નટ જાતિના લોકોને દારૂની લત લાગી ગઈ હતી. 24 કલાક દારૂ પીતા લોકોને દારૂની લત છોડાવવા માટે અહીં એક અનોખું અભિયાન (Unique campaign) ચલાવવામાં આવ્યું હતું.
ગઢશીશા ગામના નટ જાતીના લોકોને લાગી હતી દારૂની લત
ગઢશીશા ગામના નટ જાતીના લોકો મજૂરી કરીને પોતાનું જીવન પ્રસાર કરે છે, પરંતુ દારૂની લત ભલભલા પરિવારોને વિખેરી નાંખે છે. અહીં પણ એવા અનેક ઉદાહરણ છે, જેમાં દારૂની લતના કારણે પૈસા અને પરિવાર બન્નેને બરબાદ કરી નાંખ્યા છે. ગામના અન્ય લોકો સાથે આવી સ્થિતિ ઉદ્દભવે નહીં તેના માટે અહીં અનોખું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
ગઢશીશા ગામમાં નટ જાતીના લોકો 24 કલાક દારૂ પીતા અને ઝઘડા કરતા
નટ જાતીના લોકો પહેલાં 24 કલાક દારૂ પીતા અને ઝઘડા કરતા અને ગામ માથે લેતા, ત્યારે આ ગામમાં અમદાવાદના મોતીપુરા ગામની માફક દારૂ પીનારા વ્યક્તિને દંડ અને સજાના ભાગરૂપે આખી રાત પિંજરામાં કેદ કરવાનો પ્રયોગ કરવામાં આવતો હતો. ગામમાં દારૂ પીતા લોકો પાસેથી 1,200 રૂપિયા જેટલો દંડ પણ લેવામાં આવતો હતો.
આ પ્રયોગથી દારૂનું દૂષણ નહિવત થઇ ગયું છે: સરપંચ ગઢશીશા
ગઢશીશા ગામના સરપંચ ભાઈલાલ છાભૈયાએ ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "અહીંના નટ જાતીના લોકો કે જે અભણ છે અને તેમને 24 કલાક દારૂ પીવાની આદત હતી જેને પરિણામે નટ સમાજના લોકો દ્વારા જ દારૂનું દૂષણ ઓછું કરવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં દારૂ પીનાર વ્યક્તિને પાંજરામાં કેદ કરવામાં આવતો અને તેની પાસેથી દંડ વસૂલવામાં આવતો હતો. આ પ્રયોગનું પરિણામ સકારાત્મક મળ્યું છે. આ કામગીરીને પગલે દારૂનું દૂષણ નહિવત થઇ ગયું છે. હવે ક્યારેક છૂટા છવાયા કેસ બનતા હોય છે, જેને પગલે દંડ વસૂલવામાં આવે છે અને ચેતવણી આપવામાં આવે છે."
દંડ ભરવાની બીકના લીધે હવે કેસ ખૂબ ઓછા થઈ ગયા છે: નટ સમાજના અગ્રણી
આ પ્રયોગ અંગે નટ સમાજના અગ્રણી રાજન નટ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, "દારૂની લતને કારણે અમારા સમાજ દ્વારા આ પ્રયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને રકમ 1,200 રૂપિયા રાખવામાં આવી હતી, જ્યાં સુધી દંડ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી વ્યક્તિને છોડવામાં આવતો નથી. જેના કારણે ઘણું પરિવર્તન અમારા ગામમાં જોવા મળ્યું છે. દંડ ભરવાની બીકના લીધે હવે કેસ ખૂબ ઓછા થઈ ગયા છે અને હવે પાંજરામાં કેદ કરવાનું પણ બંધ કરવામાં આવ્યું છે. હવે જ્યારે આવો કોઈ બનાવ બને છે તો દંડ વસુલવામાં આવે છે."
આ પણ વાંચો: ગુજરાત રાજ્ય યોગ બોર્ડે 1 લાખ લોકોને યોગ ટ્રેનર બનાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન સાથે MoU કર્યા
આ પણ વાંચો:મહેસાણા જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં કુલ 27.52 કરોડની વેરા વસુલાત બાકી