ગુજરાત

gujarat

ETV Bharat / state

ભચાઉના એક લગ્નપ્રસંગમાં જાહેરમાં થયા ભડાકા, વીડિયો વાઇરલ થતા પોલીસે શરૂ કરી તપાસ

કચ્છમાં 2 દિવસ પહેલા યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં થયેલા ફાયરિંગના 3 જુદા-જુદા વીડિયો વાઇરલ થતા ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયો ભચાઉનો હોવાની પણ પુષ્ટી થઈ છે. વીડિયો પોલીસ સુધી પહોચતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ભચાઉના એક લગ્નપ્રસંગમાં જાહેરમાં થયા ભડાકા
ભચાઉના એક લગ્નપ્રસંગમાં જાહેરમાં થયા ભડાકા

By

Published : Jul 16, 2021, 10:34 PM IST

  • ભચાઉમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં હવામાં કરાયું ફાયરિંગ
  • ફાયરિંગના જુદા-જુદા 3 વીડિયો વાઇરલ થતા મચી ચકચાર
  • બુલેટ પર સવાર શખ્સે 3 સેકન્ડમાં હવામાં 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું


કચ્છ : ભચાઉમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરાયું હતું. જેના જુદા જુદા 3 વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. વાઇરલ થયેલા વીડિયોમાંથી એકમાં બુલેટ પર સવાર એક શખ્સ હવામાં ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે. અન્ય બે વીડિયોમાં અલગ-અલગ 2 યુવકો એક-એક રાઉન્ડ ફાયરિંગ કરતા નજરે પડી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં ફાયરિંગના વીડિયો વાઇરલ થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, તે ભચાઉ તાલુકાના સીતારામપુરનો હોવાની ચર્ચા છે.

ભચાઉના એક લગ્નપ્રસંગમાં જાહેરમાં થયા ભડાકા

યુવાને બુલેટ પર એન્ટ્રી કરીને હવામાં 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું

2 દિવસ પહેલા યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગની આ ઘટના બની હોવાની ચર્ચા થઈ રહી છે. વાઇરલ વીડિયોમાં લગ્ન પ્રસંગ સમયે કેટલાક શખ્સો બુલેટ પર એન્ટ્રી કરતા નજરે પડી રહ્યા છે. જેમાનો એક વ્યકિત પિસ્તોલ જેવા હથિયારથી માત્ર 3 સેકન્ડમાં હવામાં ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે.

લગ્નપ્રસંગમાં કોરોના ગાઈડલાઈનના પણ ધજાગરા ઉડ્યા

લગ્નપ્રસંગના આ વીડિયોમાં કોરોના ગાઈડલાઈન્સના પણ ધજાગરા ઉડતા જોવા મળે છે. સામાન્ય માણસને પોતાના ઘેર લગ્ન યોજવા હોય તો પણ સંખ્યા બાબતે ચિંતા કરવી પડે છે. જ્યારે ભચાઉમાં તો જાણે કાયદો-વ્યવસ્થાને જાણે પડકાર ફેંકાતો હોય તેવા આ વીડિયો વાઇરલ થતા ચકચાર મચી ગઈ છે.

વાઇરલ વીડિયોની તપાસ કરી કાર્યવાહીની અપાઈ સૂચના : DySP

વાઇરલ થયેલા વીડિયો અંગે ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કિશોરસિંહ ઝાલાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, ઘટના બની હોવાનું ધ્યાને આવ્યું છે. જેના પગલે સ્થાનિક પોલીસને તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. તો વાઇરલ થયેલા વીડિયો ભચાઉના છે. અને જે રીતે લગ્નમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. તે જોતા પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા વ્યક્તિઓની ઓળખ કરીને, યોગ્ય રીતે વેરિફિકેશન કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details