દિવ્યાંગ છીએ પણ કમજોર નથી કચ્છ: જિલ્લાના પાટનગર ભુજ નજીક માધાપર પાસે આવેલ શ્રી નવચેતન અંધજન મંડળ સંચાલિત કન્યા પ્રાથમિક શાળામાં દિવ્યાંગ છાત્રાઓ વિવિધ કચ્છી હસ્તકળાની તાલીમ મેળવી પોતાની કળા દ્વારા આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વિકસાવી રહી છે. હાલમાં શાળામાં રક્ષાબંધનના તહેવાર માટે શાળાની દિવ્યાંગ વિદ્યાર્થિનીઓ દ્વારા દર વર્ષની જેમ 5000 જેટલી રાખડીઓ બનાવવામાં આવી રહી છે.
50 જેટલી દિવ્યાંગ દીકરીઓ દ્વારા દર વર્ષે તૈયાર કરાય છે 5000 રાખડીઓ આત્મનિર્ભર તરફ: વર્ષ 2005થી દિવ્યાંગ વિધાર્થિનીઓ દ્વારા બનાવવામાં આવતી રાખડીઓ સંસ્થાને આર્થિક સહયોગ આપતા દેશ વિદેશના દાતાઓને ભેટરૂપે પહોંચાડવામાં આવે છે. આ શાળામાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ છે. ઉદ્યોગના ક્લાસ દરમિયાન આવી વિધાર્થિનીઓને રેસમની દોરમાં રંગબેરંગી મોતી પરોવી રાખડીઓ બનાવવાનું શીખવાડવા આવે છે. રાખડી બનાવવાની આ કળા તેમને ભવિષ્યમાં આત્મનિર્ભર પણ બનાવી શકે છે.
ઉદ્યોગ પ્રવૃતિ હેઠળ હસ્તકળાની તાલીમ:શ્રી નવચેતન અંધજન મંડળ સંચાલિત પ્રાથમિક કન્યા શાળાના ઉદ્યોગ વિષયના શિક્ષક ગીતાબેન ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે," આ કન્યા શાળા ખાતે જરૂરતમંદ શારીરિક અને માનસિક દિવ્યાંગ દીકરીઓને અભ્યાસ સાથે છાત્રાલયની નિઃશુલ્ક સેવા પણ આપવામાં આવી રહી છે. પ્રાથમિક કન્યા શાળામાં હાલ 100 જેટલી વિધાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. તેમાં 50થી વધુ વિદ્યાર્થિનીઓ દિવ્યાંગ છે. તેઓને શાળા સમય દરમિયાન એક પીરીયડ ઉદ્યોગ પ્રવૃતિ હેઠળ હસ્તકળાની તાલીમ આપવામાં આવે છે."
"કન્યા શાળાના આચાર્ય જલ્પાબેન મારુના માર્ગદર્શન હેઠળ આ ઉદ્યોગ ક્લાસ અંતર્ગત અનેક પ્રવુતિઓ કરાવવામાં આવે છે જેમાં રાખડી સિવાય મડ વર્ક, ગ્રીટિંગ કાર્ડસ, માટીની મૂર્તિઓ, ઘઉંના લોટમાંથી દીવડાઓ સહિતની અનેક હાથ બનાવટની વસ્તુઓ દિવ્યાંગ દીકરીઓ બનાવવાનું શીખી રહી છે. રક્ષાબંધન તહેવારને ધ્યાનમાં રાખીને હાલમાં રાખડી બનાવતા શીખી રહી છે.આ કાર્ય થકી વિદ્યાર્થિનીઓમાં આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતામાં વધારો થાય છે" -ગીતાબેન ભટ્ટ, શિક્ષક
દિવ્યાંગ છીએ પરંતુ કમજોર નથી:દિવ્યાંગ વિદ્યાર્થિની સ્નેહા ગોરે માહિતી આપતા જણાવ્યું હતું કે,"અમે ભલેને દિવ્યાંગ છીએ પરંતુ કમજોર નથી, અમે અહીંયા શાળા સમય દરમિયાન એક વિવિધ વસ્તુઓ બનાવતા શીખવવામાં આવે છે. ઉધોગના ક્લાસમાં સિલાઈ કામ, પેન્ટિંગ, ગ્રીટિંગ કાર્ડસ, ઉન વર્ક, ભરત ગૂંથણ, મડ વર્ક જેવી અનેક હસ્તકળાની તાલીમ આપવામાં આવે છે.અહીંયા ઓમકાર વાળી, સ્વસ્તિક વાળી, રુદ્રાક્ષ વાળી, તિરંગા વાળી અને ડાયમંડ વાળી એમ અનેક પ્રકારની રાખડીઓ બનાવવામાં આવે છે.આ રાખડીઓ રક્ષાબંધનના દિવસે કુમાર શાળામાં અભ્યાસ કરતા બાળકોને બાંધવામાં આવે છે તો વિદેશમાં વસતા દાતાઓને પણ મોકલવામાં આવે છે."
તાલીમ આપ્યા બાદમાં હસ્તકળા અંગે સ્પર્ધા:ઉલ્લેખનીય છે કે શાળામાં વિધાર્થિનીઓને તહેવાર અનુરૂપ વસ્તુઓની તાલીમ આપ્યા બાદમાં હસ્ત કળા અંગે સ્પર્ધા પણ યોજવામાં આવે છે. તેમાં દિવ્યાંગતાની કેટેગરી અનુસાર તેમને વિજેતા ક્રમ આપી પ્રોત્સાહન આપવામાં આવે છે. જે તેમના માનસિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી બને છે. આ દિવ્યાંગ વિદ્યાર્થિનીઓની ખાસ વાત એ છે કે શારીરિક કે માનસિક ખોટ ધરાવતી હોવા છતાં પણ રાખડી, માટીની મૂર્તિ, વેસ્ટમાંથી બેસ્ટની કૃતિઓ તૈયાર કરીને દીકરીઓ ખૂબ ખુશ થઈ જાતિ હોય છે. આ તમામ કામગીરી સંસ્થાના મહામંત્રી અને સ્થાપક પ્રજ્ઞાચક્ષુ લાલજીભાઈ પ્રજાપતિ સંભાળી રહ્યા છે અને દેખરેખ સ્પેશિયલ એજ્યુકેટર હિમાંશુ સોમપુરા રાખી રહ્યા છે.
- Raksha Bandhan 2023: રક્ષાબંધન પૂર્વે રેઝિનમાંથી બનતી રાખડી આર્થિક ઉપાર્જનનું બન્યું માધ્યમ, દુબઈથી મળ્યો ઓર્ડર
- સ્માર્ટ રાખી હવે ડિવાઈસવાળી સ્માર્ટ રાખી બનશે ભાઈઓની સુરક્ષા કવચ