કચ્છઃ ગુજરાત ડ્રાય સ્ટેટ હોવા છતાં દારુનું બેફામ ખરીદ-વેચાણ, સંગ્રહ અને ઉપયોગ થઈ રહ્યા છે. ન્યૂ યર જેવા પ્રસંગે યોજાતી પાર્ટીઓમાં પણ દારુની રેલમછેલ જોવા મળે છે. પશ્ચિમ કચ્છ પોલીસે આ વખતે ન્યૂ યર પાર્ટીમાં થતાં દારૂના દૂષણને ડામવા ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પ્રોહિબિશન એક્ટ અંતર્ગત આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત અનેક ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ તેમજ પાર્ટી યોજાતી હોય તેવા સ્થળોએ પોલીસ ખાસ ચેકિંગ હાથ ધરશે. આ ચેકિંગમાં પશ્ચિમ કચ્છના દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, શી ટીમ, એલીસીબી, એસઓજી તથા ટ્રાફિક શાખાના કર્ચમારીઓને સામેલ કરવામાં આવ્યા છે.
બ્રીધ એનલાઈઝરનો ઉપયોગઃ જિલ્લા અને તાલુકાઓના જાહેર સ્થળો, પ્રવેશ સ્થળો તેમજ વધુ સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તે સ્થળોનું સઘન ચેકિંગ હાથ ધરાશે. પાર્ટી યોજાવાની શક્યતા હોય તેવા સ્થળો જેવા કે ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, હોટલ્સ, રેસ્ટોરા, ગેસ્ટ હાઉસ, પ્રાઈવેટ પોપર્ટીઝના ટેરેસ, બાગ બગીચા વગેરે સ્થળોએ પોલીસ ચેકિંગ કરશે. માર્ગો પર પણ પોલીસ બ્રીધ એનલાઈઝરનો ઉપયોગ કરીને દારુનું સેવન કરીને ફરતા લોકોને શોધી કાઢશે. જેમાં ગુનેગારો વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે. મહિલા સુરક્ષાને ધ્યાને લઈને પોલીસની શી ટીમ પણ ખડે પગે રહેશે.