- કચ્છમાં આજે વરસાદી માહોલ વચ્ચે વસુંધરા ડગમગી
- સવારે 5:30 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો
- રાપરથી 22 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ
કચ્છઃ કચ્છમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી હજી અવિરત છે. આજે સવારના સમયે 5:30 કલાકે 3.2ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ પંથક ભચાઉ, રાપર અને સુવઈ સુધી અચલા ધ્રુજી ઊઠી હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિમી દૂર વેસ્ટ સાઉથ વેસ્ટ નોંધાયું હતું.
3.2ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી
સવારના 5:30 વાગ્યાના સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાના નોંધાયેલ આંચકાથી રાપરથી 22 કિલોમીટર દૂરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો અને લોકો ઊંઘમાંથી સફાળા જાગ્યા હતા.ઉપરાંત મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો હતો અને તે વચ્ચે 3.2 ની તીવ્રતાનો આંચકો નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.