વેસ્ટ બંગાળમાં કચ્છનો ચિત્રકાર છવાયો કચ્છ :પશ્ચિમ બંગાળમાં રવિન્દ્રનાથ ટાગોર જ્યાં રહ્યા એ શાંતિનિકેતન-બોલપુર ખાતે ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી નોર્થ ઈસ્ટ ઈન્ડિયાના પ્રમુખ મૌમિતા ઘોષ દ્વારા 27 નવેમ્બરથી 29 નવેમ્બર 2023 સુધી બીજો પ્લેઈન એઈર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં ભારતભરનાં રાજ્યોમાંથી કલાકારો સહિત ગુજરાતના 6 કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક ભુજના ચિત્રકાર લાલજીભાઈ જોષીએ પશ્ચિમ બંગાળમાં ગુજરાતનો ડંકો વગાડ્યો હતો.
વેસ્ટ બંગાળમાં ભુજના ચિત્રકાર છવાયા : IWS નોર્થ ઈસ્ટ ઈન્ડિયા દ્વારા આયોજીત પ્લેઈન એઈર ફેસ્ટીવલમાં ભારતના આંતરરાષ્ટ્રીય ચિત્રકારો અમિત કપૂર, મિલિન્દ મુલીક, મેઘા કપૂર અને સંજય દેસાઈ સહિત વિવિધ રાજ્યના પ્રમુખ કલાકારો અને ગુજરાતનું IWS India નું પ્રમુખ પદ સંભાળતા ભુજના ચિત્રકાર લાલજીભાઈ જોષીએ લાઈવ ડેમો આપ્યો હતો. આ લાઈવ ડેમોમાં લાલજીભાઈ એ દર વખતની જેમ કચ્છનાં દર્શન કરાવતું ચિત્ર બનાવ્યું હતું. આ અદ્ભુત કૃતિ જોઈને સૌ કોઈ કલાકાર રોમાંચિત થઈ ગયા હતા. ઉપરાંત આર્ટવર્કની પ્રશંસા કરતા કચ્છ આવવા માટે પ્રેરાયા હતા.
આંખો દેખ્યું આર્ટવર્ક : આ ફેસ્ટીવલના બીજા દિવસે પશ્ચિમ બંગાળના ગામડાઓમાં જઈને વોટર કલરથી લાઈવ ચિત્રોની હારમાળા સર્જવામાં આવી હતી અને માહોલને કલામય બનાવવામાં આવ્યું હતું. સાથે જ લાલજીભાઈએ નવોદિત કલાકારોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું, જેથી તેઓ આગળના મંચ પર જઈ શકે. ત્રીજા દિવસે બેસ્ટ ચિત્ર બનાવેલ 10 કલાકારોને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આમંત્રિત કલાકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભુજના લાલજીભાઈ જોષીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ભુજના ચિત્રકાર લાલજીભાઈ જોષી લાલજીભાઈની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતી :ઉલ્લેખનીય છે કે, ભુજના જાણીતા અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ચિત્રકાર લાલજીભાઈ જોષીની ચિત્રકૃતિઓ અગાઉ પણ સાઉથ આફ્રિકા, ન્યુ દિલ્હી, નેપાળ તથા સ્પેન ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં પસંદગી પામી છે. ઓગસ્ટ 2023 માં સાઉથ આફ્રિકામાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં વિશ્વભરમાંથી કુલ 340 એન્ટ્રીઓ પસંદગી પામી હતી, જેમાં ભારતના માત્ર 4 કલાકારોની એન્ટ્રીની પસંદગી થઈ હતી. જે પૈકી ગુજરાતમાંથી ફક્ત ભુજના ચિત્રકાર લાલજીભાઈ જોષીની ચિત્રકૃતિ પસંદગી પામી હતી.
આંતરરાષ્ટ્રીય સન્માનોથી નવોજીત : આ ઉપરાંત માર્ચ 2022 માં ન્યુ દિલ્હી ખાતેના આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં 61 દેશના 722 જેટલા ચિત્રોમાં ગુજરાતના 7 કલાકારોના ચિત્રોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કચ્છના લાલજીભાઈ જોષીના ચિત્રનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો નવેમ્બર 2022 માં સ્પેન ખાતે ગુજરાતમાંથી ફક્ત લાલજીભાઈ જોષી અને સાથે 18 ભારતીય કલાકારોના ચિત્રોને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. સાથે ભારતના રાજદૂત દ્વારા કચ્છની સંસ્કૃતિ બતાવતા લાલજીભાઈ જોષીની બે ચિત્રકૃતિ ‘માય વર્લ્ડ’ અને ‘આહીર’ની ભારોભાર પ્રશંસા પણ કરવામાં આવી હતી.
ચિત્રકૃતિઓમાં કચ્છી સંસ્કૃતિની ઝલક માસ્ટરપીસ છે "આહીર" :ડિસેમ્બર 2021 માં નેપાળના કાઠમંડુમાં ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી નેપાળ અને આર્ટસ મેટ ઇન્ટરનેશનલ વિથ એન બી ગુરુગ આર્ટ સ્ટુડિયો નેપાળ દ્વારા ઇન્ટરનેશનલ જ્યુરીડ ઓનલાઇન વોટર કલર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાલજીભાઈની આહીર ચિત્રકૃતિને ડેનિયલ સ્મિથ વોટર કલર બેસ્ટ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં કુલ 47 દેશની 304 જેટલી એન્ટ્રીની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભારતની 49 અને તેમાં પણ ગુજરાતમાંથી ફકત 1 જ ચિત્રકૃતિ પસંદ કરવામાં આવી હતી. જે ભુજના ચિત્રકાર લાલજીભાઈ જોષી દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
ચિત્રકૃતિઓમાં કચ્છી સંસ્કૃતિની ઝલક :છેલ્લા 26 વર્ષોથી ભુજના ચિત્રકાર લાલજીભાઈ જોષી ચિત્રકામ કરી રહ્યા છે. લાલજીભાઈ પેન્સિલ સ્કેચિંગ, એક્રેલિક પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, વોટર કલર પેઇન્ટિંગ, સ્ટોન કાર્વિંગ સહિત વિવિધ પ્રકારની પેઇન્ટિંગ કરે છે. તેઓ મોટાભાગે કચ્છની સંસ્કૃતિ, કચ્છી પહેરવેશ અને ખાસ કરીને આહીર સમાજના મેળામાં નજરે ચડતા કચ્છના સ્થાપત્ય અને પ્રાચીન મૂર્તિના ચિત્ર બનાવે છે.
- Kutch Tourism 2023: કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા...પ્રવાસીઓનું ઉમટ્યું ઘોડાપુર, દિવાળી વેકેશનમાં કચ્છ મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું
- Kutch News: 300 વર્ષ પુરાણી ચાંદી નક્શીકામની કચ્છી કળાનું ભવિષ્ય ધૂંધળું, માત્ર 7થી 8 જ કારીગર બચ્યા