- કચ્છ જિલ્લામાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ વધ્યા
- ભુજની જનરલ હોસ્પિટલમાં હાલમાં 8 દર્દીઓ સારવાર હેઠળ
- ચોબારી ગામના 3 કેસ પૈકી 2ના મોત થયા
- મ્યુકરમાઇકોસીસ ગામડાના વિસ્તારોમાં પણ ફેલાયો
કચ્છ: કોરોના મહામારીના માહોલ વચ્ચે હવે મ્યુકરમાઈકોસિસના દર્દીઓના દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે, કચ્છમાં પણ જીવલેણ રોગ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. શહેર તથા હવે ગામડાના વિસ્તારોમાં પણ આ રોગ હવે જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામે મ્યૂકરમાઈકોસિસના 3 દર્દીઓ આ ગંભીર બીમારીના શિકાર બની ગયા હતા. જેમાંથી 2 વ્યક્તિના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો:જામનગરમાં મ્યૂકોરમાઈકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ કરાયું
મગજમાં પણ ફંગસ ફેલાયું
ભચાઉ તાલુકાના ચોબારી ગામના 42 વર્ષીય ગોકળ ચાવડા નામના વ્યક્તિને 20-22 દીવસ પહેલા કોરોના થયો હતો. જેની સારવાર બાદ તે સ્વસ્થ બન્યા હતા. તેમ છતાં શારીરિક તકલીફ વધી જતાં અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં, તેમનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવતા રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઉપરાંત, આંખમાં ફેલાયેલા ફંગસને દૂર કરવા તેમની સર્જરી કરવામાં આવી હતી. પરંતુ, કોઈ ફર્ક ન પડતા, તપાસ કરતા મગજમાં પણ ફંગસ ફેલાયું હોવાનું જાણવા મળ્યુ હતું. આથી, તેની સર્જરી અશક્ય હોવાનું જાણવા મળતા અંતે ચોબારી પરત લઈ લવાયા હતા, જ્યાં તેમનું ગઈકાલે બુધવારે મૃત્યુ થયું હતું.