કચ્છ: પૂર્વ કચ્છના અંજાર તાલુકાનાના મેઘપર બોરીચીમાં આવેલી મંગલમ્ રેસિડેન્સીમાં રહેતા સંજીવકુમાર તોમરના 19 વર્ષીય પુત્ર યશ તોમર સવારે 10 વાગ્યે રાબેતા મુજબ પોતાની એક્ટિવા લઈ ઘરેથી કોલેજ જવા નીકળ્યો હતો પરંતુ સાંજના 5 વાગ્યા સુધી તે પરત આવ્યો નહોતો. ત્યારે યશના માતાને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે યશનું અપહરણ કર્યું હોવાનું જણાવી યશને છોડાવવા માટે 1.25 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.
માતાએ નોંધાવી ફરિયાદ:યશના અપહરણ સમયે યશના પિતા સંજીવકુમાર તોમર ધંધાના કામથી દિલ્હીમાં હતા. અપહરણ અને ખંડણીની ઘટનાના પગલે યશના માતાએ મોડી રાત્રે 11 વાગ્યે અંજાર પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યશના પિતા સંજીવ કુમાર અંજારમાં ટીમ્બરના વેપારી અને બ્રોકર છે. બનાવની જાણ થતાં તેઓ દિલ્હીથી પરત આવી ગયાં છે.
સ્પેશિયલ બ્રાન્ચની 10 ટીમો બનાવી તપાસ: અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.ડી.સિસોદીયા મોડી રાત્રે જ અપહરણ અને ખંડણીનો બનાવને ધ્યાનમાં રાખીને આસપાસના તમામ પોલીસ સ્ટેશનોમાં જાણ કરી હતી અને બનાવને ગંભીરતાથી લઈ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમા૨ અને નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીએ LCB, SOG અને આસપાસના પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓની મળીને 10 જેટલી ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ચેક કરતાં લાપત્તા યશ છેલ્લે આદિપુર ખાતેના સંતોષી માતાના મંદિર નજીક દેખાયો હતો જેમાં તે સમયે તેની પાછળ કોઈ અજાણ્યો શખ્સ પણ બેઠેલો દેખાયો હતો.
ખંડણી માંગ્યા બાદ ફોન નંબર બંધ: ઉલ્લેખનીય છે કે, યશના માતાને 1.25 કરોડની ખંડણી માટે જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર પોલીસ દ્વારા ટ્રેસ કરવામાં આવતા તે નંબર બંધ આવતો હતો. ખંડણી માટે આવેલ ફોનના નંબર ગાંધીધામના જ એક છૂટક ફળફળાદિ વેચતાં શખ્સના હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ વેપારીને ઉપાડીને પૂછતાછ કરતાં તેણે સમગ્ર મામલે અજાણતા વ્યક્ત કરી હતી. પોલીસે આ શખ્સની આઈડીના આધારે વ્યક્તિએ જ સીમ કાર્ડ કઢાવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.
પૂર્વ કચ્છની 10 જેટલી ટીમો દ્વારા અપહરણ થયેલ યશના મિત્રો સાથે પણ ચર્ચા કરી પરંતુ કંઈ પણ વિશેષ કડી કે માહિતી સામે આવી ન હતી. તો બીજી બાજુ યશનો મોબાઈલ ફોન પણ સતત સ્વીચ ઓફ દર્શાવી રહ્યું છે. યશ જે એક્ટિવા લઇને ઘરેથી નીકળ્યો હતો તે વાહન પણ મળ્યું નથી. અપહરણ કરનારાઓએ એક વાર ખંડણીની માંગણી કર્યા બાદ તે નંબરથી ફરીવાર ફોન કર્યો નથી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વિવિધ એંગલ તેમજ કડીઓ સાથે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
- આજથી 135 વર્ષ પહેલા ગુજરાતની ટાઈટેનિક એટલે કે 'વીજળી' માંગરોળ નજીકના દરિયામાં સમાઈ ગઈ
- Firecrackers featuring PM Modi's Picture: ગુજરાતના બજારોમાં 'મોદી' છાપ ફટકડાની બોલબાલા