- હવે મેજર પોર્ટ ઓથોરિટીઝ એક્ટ અમલી કરાયો
- પોર્ટ ટર્મિનલ અને પીપીપી ટર્મિનલને પણ લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળશે
- ચેન્નઈ પોર્ટ, કોચીન પોર્ટ સહિતના પોર્ટનો આ એક્ટમાં સમાવેશ કરાયો
કંડલા બંદર સહિત 11 પોર્ટનું સંચાલન ઓથોરિટીઝ એક્ટ હેઠળ થશે - રાજ્યસભા
કચ્છમાં આવેલા કંડલા પોર્ટ સહિત 11 મહાબંદરોનું સંચાલન હવે ટ્રસ્ટ નહીં પરંતુ ઓથોરિટી કરશે. 1963ના મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટના સ્થાને હવે મેજર પોર્ટ ઓથોરિટીઝ્ એક્ટ અમલી થઈ ગયો છે. રાજ્યસભામાં બહુમતીથી ખરડો પસાર થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેના પર સહી કર્યા બાદ કેન્દ્રએ ગેઝેટ જાહેર કરી દીધું છે.
![કંડલા બંદર સહિત 11 પોર્ટનું સંચાલન ઓથોરિટીઝ એક્ટ હેઠળ થશે કંડલા સહિત 11 પોર્ટનું સંચાલન ઓથોરિટીઝ એક્ટ હેઠળ થશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10727613-thumbnail-3x2-kandala-7209751.jpg)
ગાંધીધામઃ આ કાયદાથી ખાનગી બંદરો સાથેની સ્પર્ધામાં સરકારી બંદરોને સમાન તક ઉપલબ્ધ થશે. એટલું જ નહીં, પોર્ટ ટર્મિનલ અને પીપીપી ટર્મિનલને પણ લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળશે. અત્યાર સુધી આ બંદરોનું સંચાલન મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ હેઠળ થતું હતું. નવા કાયદા હેઠળ હવે દિનદયાળ પોર્ટ, કંડલા, ચેન્નઈ પોર્ટ, કોચીન પોર્ટ, જવાહરલાલ નેહરૂ પોર્ટ (મુંબઈ), શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ (કોલકતા, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, ન્યૂ મેંગ્લોર પોર્ટ ટ્રસ્ટ, મોર્ફગાંવ પોર્ટ ટ્રસ્ટ, પારાદિપ પોર્ટ, વી.ઓ. ચીદમ્બરનાર પોર્ટ ટ્રસ્ટ તુતુકુડી) અને વિશાખાપટ્ટનામ પોર્ટ એમ દેશના 12માંથી 11 મહાબંદર આવરી લેવાયા છે.
નવા કાયદાની જોગવાઈઓ
- મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ હેઠળ અગાઉ ટ્રસ્ટી મંડળમાં 17થી 19 સભ્યોનો સમાવેશ કરવો પડતો હતો.
- નવા કાયદા તળે બનનાર બૉર્ડમાં 11થી 14 સભ્યોનો સમાવેશ થશે.
- મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટમાં 134 સેક્શન હતા.
- કાયદાકીય જોગવાઈઓનું ઓવલેપીંગ અને ગૂંચવાડા દૂર કરવા નવા કાયદામાં માત્ર 76 સેક્શન છે.
- પોર્ટના બોર્ડમાં ચેરમેન, ડેપ્યૂટી ચેરમેન, સંબંધિત રાજ્યનો એક સભ્ય, રેલવે, સંરક્ષણ, મહેસુલ વિભાગ વતી કસ્ટમના સભ્યની નિમણૂક થશે.
- બેથી ઓછા નહીં અને ચારથી વધુ નહીં તે રીતે સ્વતંત્ર સભ્યની નિમણૂક કરી શકાશે.
- એક સભ્ય કેન્દ્ર સરકાર દ્વારા નોમિનેટ કરાશે.
- કર્મચારીઓનું પ્રતિધિનિત્વ કરતાં મહત્તમ બે સભ્યનો બોર્ડમાં સમાવેશ કરી શકાશે.
- ઓથોરિટી બોર્ડને પોર્ટની મિલકતો અને ફંડનો પોર્ટના વિકાસમાં ઉપયોગ કરવાની સત્તા સાથે વિવિધ પોર્ટ સર્વિસીઝ માટેના દર નિર્ધારિત કરવાની સત્તા મળશે.
- નવા કાયદા તળે બંદરોને કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલીટી હેઠળ ફંડ ફાળવવાની જોગવાઈ કરાઈ છે.