- 105 વર્ષ જૂનાં ભુંગામાં આજે પણ રહી રહ્યા છે લોકો
- પાકા મકાન કરતા ભુંગામાં રહેવું વધારે અનુકૂળ
- ભુંગો જોઈને જર્મનીના પ્રવાસીઓ પ્રભાવિત
કચ્છ: હોડકોએ કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું છે. આ ગામમાં 400 જેટલા પરિવારો રહે છે, અહીં મુખ્યત્વે જત, મારવાડા,મુસ્લિમ અને દલિત જાતિના લોકો રહે છે. હોડકો ગામમાં 100 વર્ષથી પણ જૂના ભુંગા આવેલા છે. અહીં મુખ્યત્વે દેશી અને માંગરોઇ નળિયાવાળા ઘરો આવેલા છે. અહીંના લોકો આજે પણ ભુંગામાં રહેવાનું પસંદ કરે છે. અમુક લોકો પાસે પાકા મકાન પણ છે, પરંતુ લોકોને ભુંગામાં રહેવાનું વધુ અનુકૂળ આવે છે.
આ પણ વાંચો:મુંબઈના ઉદ્યોગપતીએ 136 કરોડનું ઘર ખરીદ્યું
પેઢી દર પેઢી લોકો અહીં રહે છે
ગામમાં સ્થાનિક સુમાર ભૂરા 105 વર્ષ જૂના ભુંગામાં રહે છે. તેઓના વડીલ અહીં 250થી 300 વર્ષ પૂર્વેથી રહેતા આવ્યા છે અને હવે પેઢી દર પેઢી અહીં જ રહે છે. આ ભુંગા મુખ્યત્વે માટીના બનેલા હોય છે, જેમાં લાકડાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે તથા છત માટે જુદાં જુદાં પ્રકારના ઘાસનો તથા નળિયાંનો ઉપયોગ કરવામાં આવે છે.
ભુંગામાં ઠંડક માટે છાણનું લીપણ
ભુંગાની બનાવટમાં છાણનું લીપણ કરવામાં આવે છે, જેના કારણે ભુંગામાં ઠંડક રહે છે. આ ઉપરાંત ભુંગાની અંદરની બાજુએ માટીકામ કરીને તેને સુશોભિત કરવામાં આવે છે અને લાકડાઓનો ઉપયોગ કરીને ભુંગાની છતને ભુંગાની દીવાલો સાથે ટેકો આપવામાં આવે છે.