કચ્છઃ ભૂજની અદાણી સંચાલિત જી.કે જનરલ સિવિલ હોસ્પીટના રેસ્પીરેટરી વિભાગના વડા ડૉ.ચંદ્રશેખર પુરોહિતે અને ડૉ.કલ્પેશ પટેલે વિશ્વ અસ્થમા દિવસે જણાવ્યું હતું કે, અસ્થમાના લક્ષણોમાં શ્વાસમાં તકલીફ થવી, છાતીમાં દબાણ, સિસોટી જેવો અવાજ આવવો, અવાર-નવાર ખાંસી-શરદી વગેરે હોય છે. આ બિમારીમાં ઈમરજન્સી સેવા ઉપરાંત વિવિધ દવા મેળવીને બ્યુલાઈઝર(નાસ) ધૂમાડો આપવામાં આવે છે. જેથી શ્વાસનળી યોગ્ય માત્રામાં ખોલી શકાય છે.
આસ્થામાંનું નિદાન તેમજ સારવારની અસર દર્દી ઉપર કેટલી કારગત થઇ તે, સ્પાયમેટ્રોથી માપી શકાય છે. આ ઉપરાંત શ્વાસને તાત્કાલિક કાબૂમાં લાવવા તારણોપાય સમાન ગણાતું ઇન્હેલર/પંપ દર્દીને રાહત આપે છે. જે જરૂરિયાતમંદ દર્દીને પ્રાપ્યતા મુજબ નિ:શુલ્ક આપવામાં આવે છે. આ તમામ સગવડો સાથે દમના દર્દીને શેની એલર્જી છે, તે નિદાન કરતું સ્કીન પ્રીંક ટેસ્ટ અંગે પણ આયોજન થાય છે.
ડૉક્ટરની સાથે આ રોગમાં દર્દીએ પણ જાતે ડૉક્ટર થવાની ખાસ જરૂર પડે છે. જેનાથી શ્વાસ વધુ લાગે તેવી પરિસ્થિતિ જેવી કે, મેળા, જ્યાં ધૂળ ઉડતી હોય ત્યાં તથા ધુમાડો હોય તે જગ્યાથી દૂર રહેવું અથવા ચહેરા પર માસ્ક લગાડી ફરવું જોઈએ.
વધુમાં ડૉક્ટરોએ વિશ્વમાં દમના દર્દીઓની સંખ્યા કુલ વસ્તીના 10 ટકા હોવાનો અંદાજ આપ્યો હતો. અસ્થમા સારવાર માટે મહત્વના ગણાતા પમ્પ/ઇનહેલર ખુબ જ જરૂરી છે. જેથી તેને તબીબની સલાહ વગર બંધ કરવા જોઈએ નહીં.
ભુજ જી.કે. જનરલ હિસ્પિટલમાં આયુર્વેદ વિભાગ સંભાળતા ડૉક્ટર પિયુષ ત્રિવેદીએ કહ્યું કે, આયુર્વેદની દ્રષ્ટીએ જ્યારે અવળો થયેલો વાયુ પ્રાણવહ સ્ત્રોતમાં પહોંચી જાય છે, ત્યારે ગરદન તથા મસ્તકને જકડીને કફનો પ્રકોપ ફેલાવે છે. જે સસણી બોલાવે છે. ઘર..ઘર..અવાજ કરે છે. કફ છુટ્ટો પડતો નથી, દર્દી આકુળ વ્યાકુળ થઇ જાય છે, તેને બોલવામાં તકલીફ પડે છે. આ ઉપરાંત દર્દી સુતો હોય તે સમયે શ્વાસ લેવામાં વધુ તકલીફ પડે છે અને બેસવાથી થોડો આરામ મળે છે. સારવાર અંગે તેમણે કહ્યું કે, વિરેચન કરવાથી તથા લાંબી સારવાર લેવાથી આને કાબૂમાં લઇ શકાય છે.
આ ઉપરાંત હોમિયોપથી વિભાગના ડૉ. પ્રિયંકા ચૌધરીએ કહ્યું કે, દમ માટે હોમિયોપથીમાં ઘણી દવા છે. દર્દીનો ઈતિહાસ ચકાસી સારવાર અપાય છે. આ સાથે કોમ્યુનિટી વિભાગના વડા અને પ્રો.ડૉ.ઋજુતા કાકડે અને મેડિસિન વિભાગના વડા અને પ્રો.ડૉ.બાબુલાલ બમ્બોરીયાએ જણાવ્યું હતું.કે, જી.કે.જનરલ હોસ્પિટલમાં દમનાં દર્દીઓને રાબેતા મુજબ ઓ.પી.ડી.ની વ્યવસ્થા ઉપરાંત દર બુધવારે ઓ.પી.ડી. વિભાગમાં દમના દર્દીઓના નિદાન સારવાર માટે કેમ્પ રાખવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટલના રેસ્પિરેટરી વિભાગમાં વોર્ડની વ્યવસ્થા પણ છે. તથા હોસ્પિટલમાં આ રોગ માટે 5 તબીબો પણ સારવાર માટે જોડાયેલા છે.