ખેડાઃ ચીન દ્વારા લદ્દાખ સરહદે કરવામાં આવેલી હિંસક ઝડપનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે તેમાં હવે ખેડૂતો અને એગ્રો સંચાલકો પણ જોડાયા છે. હાલ ખેતીની સિઝન શરૂ થઈ છે ત્યારે ખેડૂતો દ્વારા દવા સહિતની ખેતીમાં વપરાતી વિવિધ ચીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.
ખેતીની સિઝન શરૂ થતાં ચીન સામે ખેડૂતોએ મોરચો ખોલ્યો
ચીન દ્વારા ભારતીય જવાનો પર કરવામાં આવેલા હુમલાનો સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હાલ ખેતીની સિઝન શરૂ થઇ રહી હોવાથી ખેડૂતો દ્વારા ચીન સામે મોરચો ખોલી ખેતીમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.
ચાલુ સીઝન સહિત આવનારી સિઝનોમાં કાયમ માટે ચાઈનીઝ દવા સહિતની ખેતીની તમામ ચાઈનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાનું ખેડૂતો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. પોતે બહિષ્કાર કરવા સાથે જ આ ખેડૂતો અન્ય ખેડૂતો અને લોકોને પણ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવા સમજાવી રહ્યા છે.
ખેતીમાં વપરાતી તમામ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું ખેડૂત, ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર્સે નક્કી કર્યા મુજબ ખેડૂતો સાથે હાલ એગ્રો સંચાલકો પણ જોડાયા છે. આટલું જ નહીં દેશદાઝ દાખવતા આ એગ્રો સંચાલકે તો ભારત ચીન વચ્ચે વણસેલી સ્થિતિમાં જો યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો સરકારને મદદરૂપ થવા રૂપિયા 11000 નો ફાળો પણ તૈયાર રાખવામાં આવ્યો છે.
હવે સરહદ પર રહેલા વીર જવાનો સાથે ખેતરેથી ધરતીપુત્રોએ પણ ચીન સામે લડત શરૂ કરી છે.