આ કાર્યક્રમમાં વસો તાલુકાની 412 મહિલાઓને વિધવા સહાયના હુકમો તથા 15 લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, કલેકટર સુધીર પટેલ તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ખેડામાં વિધવાઓના પુન:સ્થાપન માટેની યોજના અંતર્ગત કરાયું ગેસ કીટનું વિતરણ - વિધવા સહાય
ખેડા: જિલ્લાના વસો ખાતે તાલુકા પ્રશાસન દ્વારા નિરાધાર વિધવા બહેનોના પુન:સ્થાપન માટે આર્થિક સહાય યોજના અંતર્ગત લાભાર્થી મહિલાઓને લાભાર્થીઓને હુકમ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી તેમજ કલેક્ટર સુધીર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સંવેદનશીલ રાજ્ય સરકારે વિધવા બહેનોના પુનઃસ્થાપન માટે આર્થિક સહાયની અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેનો મહત્તમ લાભ નિરાધાર બહેનોને લેવા તેમણે અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ખેડા જિલ્લામાં 85 હજાર ઉપરાંત લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. જેને પરિણામે મહિલાઓને ધુમાડા ફૂંકવામાંથી મુક્તિ મળી છે.
કલેકટર સુધીર પટેલે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં નિરાધાર વિધવા બહેનોને સરકારની યોજનાઓને લાભ મળે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરી છે. જેમાં નિરાધાર સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે પ્રાંત અધિકારી લલિતભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ, મામલતદાર, પદાધિકારીઓ સહિત લાભાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.