ડાકોરમાં રણછોડરાયજીના થશે હવે VIP દર્શન, ચૂકવવો પડશે આટલો ચાર્જ ડાકોર :યાત્રાધામ ડાકોર ખાતે આવેલા રણછોડરાયજી મંદિરમાં પણ હવે અન્ય મંદિરોની જેમ વીઆઇપી દર્શન કરાવવામાં આવશે અને તે માટેનો ચાર્જ લેવામાં આવશે. રૂપિયા 250 અને રૂપિયા 500નો ચાર્જ લેવાશે. ટેમ્પલ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ઠાકોરજીની સન્મુખ કિર્તનિયા જાળીમાં ઉંબરા સુધી ભગવાનની નજીક જવાનો ચાર્જ સ્ત્રી અને પુરુષ એક વ્યક્તિ દીઠ રૂપિયા 500 અને મહિલાઓની જાળીમાં પુરુષને દર્શન કરવા જવું હોય તો રૂપિયા 250 ચૂકવવાના રહેશે.
આવકનો ઉપયોગ વિકાસ માટે : 12 વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે આ બન્ને જગ્યાએ દર્શન કરવા પરિવાર સાથે જઈ શકશે. કિર્તનિયા જાળીમાં બે મિનિટથી વધારે સમય સુધી બેસી શકશે નહિ. જો કે મંદિરમાં રેગ્યુલર દર્શનમાં કોઈ ફેરફાર કરાયો નથી મંદિરમાં દર્શન ફ્રી છે. યાત્રાધામ ડાકોર ખાતે વીઆઈપી દર્શનમાંથી મંદિરને થનારી આવકનો ઉપયોગ મંદિરમાં વિકાસ માટે કરવામાં આવશે. તેમજ યાત્રિકોની સુવિધા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. તે સિવાય આ નાણાંનો કોઈ અન્ય ઉપયોગ થઈ શકશે નહીં. તે બાબતે પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
"ડાકોર ટેમ્પલ કમિટીની મિટિંગમાં રણછોડરાયજીના મંદિરે દર્શન માટે આવતાં યાત્રીઓ માટે અને દર્શનાર્થીઓના સુખાકારી ભાગ રૂપે ટ્રસ્ટી મંડળ અને સેવક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે બાદ આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રિકોની માંગ હતી કે જેને મંદિરમાં એકદમ નજીક બેસીને દર્શન કરવા છે. તેના માટે એક સિસ્ટમ નક્કી કરવામાં આવી છે. મંદિરમાં દર્શન તદ્દન ફ્રી થાય છે.--"જગદીશભાઈ દવે, (મેનેજર,ડાકોર મંદિર)
સમજી વિચારીને નિર્ણય:આ બાબતે ડાકોર ટેમ્પલ કમિટી ચેરમેન પરિન્દુભાઈ ભગતના જણાવ્યા પ્રમાણે, " ટેમ્પલ કમીટીના ટ્રસ્ટી સાથે અને સેવક ભાઈઓ સાથે આ નિર્ણય ખૂબ સમજી વિચારીને લેવામાં આવ્યો છે. જે રકમ આવશે તેમાંથી ડાકોર મંદિરના ડેવલોપમેન્ટનો ખર્ચ કરવામાં આવશે. આ નાણાંનો અન્ય કોઈ ઉપયોગ કરવામાં નહીં આવે. એમ ડાકોર ટેમ્પલ કમિટી ચેરમેન પરિન્દુભાઈ ભગતએ જણાવ્યું હતું.
- Kheda News : ડાકોર મંદિરમાં દર્શન માટે જતાં પહેલાં જાણવું જરુરી, ટૂંકા વસ્ત્રો નહીં પહેરાય
- Dakor Temple Trust : ડાકોર ટેમ્પલ કમિટીમાં કોર્ટ દ્વારા ટ્રસ્ટીની નિમણૂક,જૂઓ કોની થઇ ફરી એન્ટ્રી