ગળતેશ્વર તાલુકાના અંબાવ સ્વામીનારાયણ આશ્રમ ખાતે બનાવટી ચલણી નોટો છાપવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આશ્રમના રાધારમણ સ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. જેના વિશે વડતાલ મંદિર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાધારમણ સ્વામીના કૃત્યથી સંપ્રદાયના સંતો તથા લાખો હરિભક્તોને ઠેસ પહોંચી છે. આવું ગંભીર કૃત્ય કરનાર વ્યક્તિને કોઇપણ સંજોગોમાં સાંખી લેવાય નહીં.
રાધારમણ સ્વામી સાથે વડતાલ મંદિરે છેડો ફાડ્યો, ત્યાગી પદેથી હટાવાયા
ખેડા: અંબાવ ખાતે આવેલા સ્વામીનારાયણ આશ્રમના રાધારમણ સ્વામીની સુરત ખાતેથી ડુપ્લીકેટ ચલણી નોટો છાપવાના કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાવટી ચલણી નોટો સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેના વિશે વડતાલ મંદિર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં અંબાવ ખાતેના આશ્રમ, મંદિર અને રાધારમણ સ્વામી સાથે વડતાલ મંદિરને કોઈ લેવાદેવા ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. તો આ સાથે જ રાધારમણ સ્વામીને સંસ્થાના ત્યાગી વસ્તીપત્રકમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
દેશદ્રોહનું કૃત્ય કરનાર રાધા રમણસ્વામી સામે કાયદાકીય કડક શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવો તેમણે પોલીસ તંત્રને અનુરોધ કર્યો હતો. તેમજ રાધારમણ સ્વામીને સંસ્થાના ત્યાગી વસ્તીપત્રકમાંથી દૂર કરવામાં આવ્યા છે, અને અંબાવ આશ્રમ, મંદિર તેમજ રાધારમણ સ્વામી સાથે વડતાલ સ્વામિનારાયણ સંસ્થાને કોઈ લેવાદેવા ન હોવાનું જણાવ્યું હતું.
નોંધનીય છે કે, નોટ છાપવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ સત્સંગ મહાસભા, વડતાલના સંતો અને હરિભકતો દ્વારા વડતાલ મંદિર પ્રશાસન પાસે રાધારમણ સ્વામીને ત્યાગી પદેથી હટાવવાની માંગણી કરવામાં આવી હતી. જેને પગલે રાધારમણ સ્વામીને ત્યાગી વસ્તીપત્રકમાંથી દૂર કરવામાં આવ્યા છે.