વિક્રમ સંવત ૨૦૭૬ના પ્રારંભે અર્થાત નૂતન વર્ષના પ્રારંભે ગોમતી તીરે ચાલતી શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમૂહ શિબિરમાં ઉપસ્થિત ભાવિકોને આશીર્વાદ પાઠવતા સદગુરુ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ સોમવારથી શરૂ થતાં નૂતન વર્ષનું 'સદભાવ વર્ષ' એવું નામાભિધાન કરવા સાથે જણાવ્યું હતું કે, કોઇના દોષો જોવા નહિ પણ આપણા પોતાના દોષો હોય તેને ખોળીને નિર્મૂળ કરવા જોઇએ. સહુમાં ભગવાન બિરાજે છે તેથી દોષ જોવાને બદલે તેનામાં વસતા ભગવાનના દર્શન કરવા અને આખા વર્ષ પર સદભાવ કેળવી નવા વર્ષને સાર્થક કરવું. જ્યારે પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે શિબિરાર્થિઓને નવા વર્ષના આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, આપણી આ સમૂહ શિબિર છે અને સમૂહમાં શક્તિના દર્શન થાય છે. આ રીતે આપણે સાથે મળીને સેવાના કાર્યો કરીશું તો મહારાજ આપણા પર બહુ રાજી થશે. ભગવાન સર્વ પ્રકારે સર્વનું શ્રેષ્ઠ કરે એવી શ્રી હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના. શિબિરમાં પૂજ્ય આચાર્ય મહારાજ પધારતા સદગુરૂ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ પૂજ્ય મહારાજશ્રીનું ભાવપૂજન કર્યું હતું તથા સદગુરૂ સંતોનું પણ ભાવપૂજન કર્યું હતું.
વડતાલધામ ખાતે ચાલતી સત્સંગ શિબિરમાં નૂતનવર્ષે સર્જાયા હૃદયસ્પર્શી દ્રશ્યો, સત્સંગ સમૂહ શિબિરમાં ભેટણલીલાની ઝાંખી
ખેડાઃ વડતાલધામ ખાતે ચાલી રહેલી શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમૂહ શિબિરમાં નૂતન વર્ષ ૨૦૭૬ના પ્રારંભે ભાવાત્મક ક્રિયાની અનોખી હૃદયસ્પર્શી ઝલક જોવા મળી હતી. જે ભાવભીની ભાવોદ્દર્શક ક્રિયાએ શ્રી હરિની ભેટણલીલાની સ્મૃતિ જગાવી હતી.
પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની એક ભાવવિશેષતા એ છે કે, તેઓ આટલા બધા સંતોને જોઇને રાજી થાય છે, એટલું જ નહિ પણ અંતરનો એ રાજીપો વ્યક્ત કરવા તેઓ સંતોને ભેટે છે આ એક ભેટણલીલા છે, જે ભગવાનને બહુ ગમતી હતી. જેના ભાવાત્મક દ્રશ્યો શિબિર સભામાં સર્જાયા હતા. આચાર્ય મહારાજ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, પૂજ્ય નીલકંઠ ચરણ સ્વામી, પૂજ્ય ઘનશ્યામપ્રકાશ સ્વામી અને અન્ય સંતોને ભેટ્યા અને પછી બધા સંતો આચાર્ય મહારાજને ભેટ્યા.ત્યાર બાદ સહુ સંતો પરસ્પર ભેટ્યા હતા. આવું અદભૂત દ્રશ્ય નિહાળી શિબિરાર્થિઓ ભાવવિભોર થઇ ઉઠ્યા હતા.પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ ઉપસ્થિત હરિભક્તોને પણ એકબીજાને પરસ્પર ભેટી હૃદયના ભાવ વ્યક્ત કરવા માટે આજ્ઞા કરતા હરિભક્તો નિજસ્થાનેથી ઉભા થઇ એકબીજાને ભેટ્યા, ત્યારે હ્રદય ઉર્મિના તાર ઝણઝણી ઊઠ્યા હતા, પછી જે દ્રશ્યો સર્જાયા તે ઐતિહાસિક અને જવલ્લે જ જોવા મળે તેવા હતા. આ ભાવોદર્શક ક્રિયાને દેશવિદેશના લાખો હરિભક્તોએ નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો.