ખેડા:મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશન પર વડોદરા તરફથી અમદાવાદ જવાના ટ્રેક પરથી જઈ રહેલી માલગાડીનો ડબ્બો અચાનક પાટા પરથી ઉતરી ગયો હતો. મળતી માહિતી મુજબ કોઈ ટેકનિકલ કારણસર ડબ્બો ટ્રેક પરથી ઉતરી ગયો હતો. ઘટનાની જાણ કરતા રેલ્વેના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અમદાવાદ-વડોદરા વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. જ્યારે વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનોને હાલ રોકી દેવામાં આવી છે. રેલવે વિભાગે ગુડઝ ટ્રેનને ફરી પાટા પર લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ટ્રેન વ્યવહારને અસર:સોમવારે સાંજે 6 વાગ્યાની આસપાસ મહેમદાવાદ રેલવે સ્ટેશનની ઉત્તર દિશા બાજુ ગરનાળા પાસેથી આજે સમી સાંજે પસાર થતી એક ગુડ્સ ટ્રેનનુ એકાએક એક વ્હિલ પાટા પરથી ઉતરી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. પણ વડોદરાથી અમદાવાદ જવાના રેલવેના વાહન વ્યવહારને અસર પહોંચી હતી. વડોદરાથી આવતી ટ્રેનો જ્યાં હોય ત્યાં ટ્રેક પર જ સ્થગિત કરી દેવામાં આવી હતી. જેના કારણે નોકરીયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
9 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ: કર્ણાવતી ટ્રેન સહિત મુખ્ય ટ્રેનો વડોદરા આસપાસ અટકી ગઈ હતી. રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેલવે ટ્રેક પર ખડી પડેલી ટ્રેનને ફરી પાટા પર લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં જ આ ટ્રાફિક ક્લિયર કરી દેવાશે. રેલવેના કર્મચારીઓ દ્વારા હાલ મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રૂટ પર આગામી બે દિવસ માટે 9 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરી દેવામાં આવી છે.