વડતાલધામ ખાતે 6 નવેમ્બરથી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉત્સાહ અને આસ્થાભેર ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મહોત્સવમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહભાગી થયા હતા.
વડતાલધામ ખાતે મુખ્ય પ્રધાન તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ વચનામૃત મહોત્સવમાં સહભાગી થયા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં સહભાગી થયેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહોત્સવમાં સહભાગી થવાનું સદ્ભાગ્ય સાંપડયું છે, તે બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યાં શિક્ષાપત્રીનું લેખન થયું છે. એવી પવિત્ર વડતાલ ભૂમિ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. વચનામૃત માનવીને જીવન જીવવાની દિશા આપે છે. વચનામૃતમાં આત્માથી પરમાત્મા, જીવથી શિવ અને વ્યક્તિથી સમષ્ટિનું જ્ઞાન સરળતાથી સમજાવવામાં આવેલું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે અયોધ્યા રામમંદિરનો ઐતિહાસીક ચુકાદો આવ્યો છે. ત્યારે મહોત્સવની ઉજવણીએ સોનામાં સુગંધ સમાન છે. હિન્દુ સમાજ માટે એક આનંદનો ઐતિહાસિક દિવસ છે. બન્ને સમાજના લોકોએ નિર્ણયને આવકાર્યો છે અને વિવાદનો અંત આવી દેશની સાંસ્કૃતિક એકતા વધુ મજબૂત બની છે. એનો સૌને આનંદ છે.
જ્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતુ કે, રાજ્યમાં અતિવૃષ્ટિ તેમજ કમોસમી વરસાદને કારણે ખેડૂત આર્થિક તકલીફમાં છે. ત્યારે ભગવાનના આશીર્વાદ મળે અને ખેતરો હરિયાળા થાય ફરી સૌની આર્થિક પ્રગતિ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.
વચનામૃત મહોત્સવને રાજકીય પ્લેટફોર્મના ગણાવી અતિવૃષ્ટિને લઈને રાજ્યના ખેડૂતો માટે સરકારની કામગીરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકારે જે કામગીરી કરવી જોઈએ તે કરી નથી, ત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે. આપણે વચનામૃતના મૂલ્યોને જીવનમાં ઉતારી સુખ શાંતિ સમૃદ્ધિ મેળવીએ.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇ, ધારાસભ્યો તેમજ સંતો સહીત વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.