ખેડાઃ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરનો સરકાર દ્વારા પ્રવાસનધામ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસના કામમાં વિવિધ પ્રવાસન પ્રોજેક્ટો હાલ ડાકોર મુકામે ચાલી રહ્યાં છે. જેને લઈ ગુરુવારે પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ ડાકોરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત પ્રવાસન પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજી હતી.
ડાકોર સર્કિટ હાઉસમાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ પ્રધાન જવાહર ચાવડાની અધ્યક્ષતામાં પ્રવાસન પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રધાન જવાહર ચાવડાએ ડાકોરમાં ચાલી રહેલા પ્રોજેક્ટની તલસ્પર્શી વિગતો મેળવી, તેમાં જરૂરી સૂચનો ગ્રામજનો પાસેથી માંગ્યા હતા. આ ઉપરાંત ડાકોરના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો સાંભળી પ્રોજેક્ટ નાગરિકોને વધુ ઉપયોગી કેમ થાય તે અંગેની ચર્ચા પણ અધિકારીઓ સાથે કરી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, પ્રાંત અધિકારી તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, ડાકોર શહેરના પ્રમુખ તથા નગરપાલિકાના સદસ્યો અને ડાકોરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.