નડિયાદઃ ખેડા જિલ્લામાં નોંધાયેલા કોવિડ 19ના પોઝિટિવ કેસના સંદર્ભમાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રોગ અટકાયતી કામગીરીના ભાગરૂપે કપડવંજના દાણા ગામે પોઝિટિવ કેસના કન્ટેનમેન્ટ ઝોનમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે.
ખેડાના દાણા ગામના કન્ટેનમેન્ટ ઝોનમાં સઘન સર્વેલન્સ હાથ ધરાયું - ખેડા કોરોના વાઈરસ ન્યૂઝ
કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને રાખી અનેક જગ્યાએ સર્વે અને સેનિટાઈઝિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે કપડવંજના દાણા ગામમાંં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દાણા ગામમાં સર્વેલન્સ દરમિયાન કુલ 30 આરોગ્યની ટીમ દ્વારા 1613 ઘરો, 8335 વસ્તીને આવરી લેવામાં આવ્યાં છે. કપડવંજના દાણા ગામના કેસના સંદર્ભમાં કુલ 8 સેમ્પલ લેવામાં આવેલા છે. જેમાંથી 7ના રિઝલ્ટ નેગેટિવ જાહેર થયેલા છે, જ્યારે એકનુ રીઝલ્ટ પેન્ડિંગ છે.
મહત્વનું છે કે, અમદાવાદ ખાતે રહી 108ના પાયલોટ તરીકે ફરજ બજાવતાનું મૂળ કપડવંજના દાણા ગામના દર્દીને કોરોના પોઝિટિવ આવતા દાણા ગામમાં તંત્ર દ્વારા સઘન અટકાયતી પગલા લેવામાં આવી રહ્યાં છે. આ સાથે જ ખેડા જિલ્લામાં સેનિટાઈઝેશન, પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરવા સહિતના નોવેલ કોરોના વાઈરસ 2019ના સઘન અટકાયતી પગલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યાં છે.