સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની અધ્યક્ષતામાં તારીખ 14 અને 15મી ઓક્ટોબરના રોજ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે બે દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બે પદ્મશ્રી એક ચાન્સેલર, વાઇસ ચાન્સેલર તથા વિવિધ યુનિવર્સિટી તથા કોલેજોના અધ્યક્ષો ઉપસ્થિત રહેશે. આ રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં વચનામૃતના સાહિત્ય, ધાર્મિક અને આધ્યાત્મિક પાસાઓનું વર્તમાન સંદર્ભમાં મૂલ્યાંકન કરવામાં આવશે, આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ દ્વારા દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સંગોષ્ઠીમાં ભાગ લેવા માટે દેશના શિક્ષણવિદો અને બુદ્ધિજીવીઓ પ્રથમવાર વડતાલ ખાતે એક મંચ પર ઉપસ્થિત થયા છે.
વડતાલધામમાં બે દિવસીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન
ખેડાઃ સ્વામિનારાયણ મંદિર વડતાલધામ આયોજિત વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપક્રમે વડતાલ ખાતે સોમવારથી બે દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠિનો પ્રારંભ થયો છે. વચનામૃતના ધાર્મિક અને આધ્યાત્મિક પાસાઓનું વર્તમાન સંદર્ભમાં મૂલ્યાંકન માટે દેશના શિક્ષણવિદો અને બુદ્ધિજીવીઓની ઉપસ્થિતિમાં યોજાનાર સંગોષ્ઠિનો આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવાયો હતો.
વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે હજારથી વધુ મંદિરો છે, ત્યારે દુનિયાના પ્રત્યેક વર્ગના લોકો સુધી ભગવાન શ્રી હરિના વચનામૃતનો સંદેશ પહોંચવો જોઇએ એવી ભાવના થકી વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવ પ્રસંગે એક રાષ્ટ્રીય કક્ષાની સંગોષ્ઠિ દ્વારા વચનામૃતને વિવિધ રીતે પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરાયો છે. કેમ કે છેલ્લા એક હજાર વર્ષમાં ધર્મ અંગેનો ગદ્યમાં અને સરળ પ્રાદેશિક ભાષામાં વચનામૃત જેવો ગ્રંથ લખાયો નથી. વચનામૃત ગ્રંથ ૨૦૦ વર્ષ પૂર્વે રચાયો છે.
ભગવાન સ્વામિનારાયણે સેંકડો લોકો સામે, સેંકડો સ્થળોએ સત્સંગ કર્યો હતો. તેમાંથી પસંદ કરેલા ૨૬૨ વચનામૃતને આ ગ્રંથમાં સંગ્રહાયેલા છે. વળી તેની ખાસિયત એ છે કે, તત્કાલિન સમાજના તમામ વર્ગના લોકો સમક્ષ આપણા સનાતન ધર્મના ગ્રંથોનો સાર ભગવાને તેમાં કહ્યો છે. ભગવાનના આ વચનામૃત ઉચ્ચારણ વેળા શ્રોતાઓમાં કોઇ પંડિતો, વેદાન્તી બ્રાહ્મણો, સંસ્કૃતના વિદ્વાનો અને ધર્મના અભ્યાસુઓનું પ્રાધાન્ય હતું નહી પણ જે હતા તે બધા તેમના ભક્તો અને મુમુક્ષો હતા. એમના સમક્ષ ભગવાને સહુને સમજાય તેવી ભાષામાં સનાતન ધર્મના તમામ ગ્રંથોનો સાર આપ્યો અને તેના દ્વારા પોતાનો મત પ્રસ્થાપિત કર્યો હતો.