ખેડા: અયોધ્યા ખાતેના ઐતિહાસિક શ્રી રામ મંદિરના નિર્માણનું આજ રોજ બુધવારે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. જેને પગલે દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. જેમાં વિવિધ રીતે ઉજવણી કરી ખુશાલી મનાવવામાં આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામો ડાકોર શ્રી રણછોડરાયજી મંદિર, નડિયાદ સંતરામ મંદિર તેમજ વડતાલ ખાતેના સ્વામિનારાયણ મંદિર ખાતે દિવડાઓની રોશની કરવામાં આવી હતી.
રામ મંદિર ભૂમિ પૂજન પ્રસંગે ચરોતરના મંદિરો દીવડાથી ઝળહળ્યા - lamps
અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનને પગલે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામો ડાકોર, વડતાલ તેમજ નડિયાદ સંતરામ મંદિર દીવડાઓની રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. આ સાથે જ ધૂન તેમજ આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી.
નડિયાદના સંતરામ મંદિરને 11,000 દીવડાઓની રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. વડતાલ ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં પણ 3,000 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતાં. તેમજ દીપમાળાઓથી શ્રીરામ નામ લખવામાં આવ્યું હતું. તો ડાકોર રણછોડરાય મંદિરને પણ દિવડાની રોશનીથી ઝળહળતું કરાયું હતું. આ સાથે જ વિવિધ સ્થળોએ રામધૂન તેમજ આતશબાજી પણ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે આજે બુધવારે રામ મંદિર ભૂમિપૂજન પ્રસંગે સમગ્ર જિલ્લામાં દિવસભર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે રાત્રે સુપ્રસિદ્ધ યાત્રાધામો આકર્ષક દિવડાઓથી ઝળહળતાં કરવામાં આવતા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.