ખેડાઃ સરકાર દ્વારા ઘણા સમયથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે, વિવિધ ગામ, શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ઢગ જોઈને સ્વચ્છતા અભિયાનના અમલીકરણ અંગે પ્રશ્નાર્થ સર્જાતા હોય છે, ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં ગત 1 અઠવાડિયાથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
મહુધા તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલિયા દ્વારા ગત 1 અઠવાડિયાથી તાલુકાના સૌથી મોટા અલીણા ગામમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ગામમાં વર્ષોથી કોઈ સફાઈ કરવામાં આવી ન હોય, તેવી રીતે ઠેર-ઠેર ગંદકીના ઢગ ખડકાયા હતા. ખદબદતી પારાવાર ગંદકીને લઇને ત્રસ્ત ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જેથી તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને ગામમાં સફાઈ કામગીરી કરવા જણાવાયું હતું. જો કે, આમ છતાં ગ્રામ પંચાયત દ્વારા સંતોષજનક કામગીરી નહીં કરવામાં આવતાં તાલુકા વિકાસ અધિકારીએ પોતાની દેખરેખ હેઠળ ગામમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે.