ખેડાના સુપ્રસિદ્ધ મહાદેવ મંદિરનો રસ્તો સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન - ગુજરતી સમાચાર
ખેડાઃ જિલ્લાના સુપ્રસિધ્ધ પ્રવાસન અને યાત્રાધામ એવા ઐતિહાસિક 800 વર્ષ પુરાણા ગળતેશ્વર મહાદેવ મંદિરે જવાનો રસ્તો સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે. યાત્રાધામોમાં કરોડોના ખર્ચે સુવિધાઓ ઉભી કરતું તંત્ર અહીં થોડા મીટરનો રસ્તો બનાવવામાં ઉણુ ઉતર્યું છે.
પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત આ મંદિરે જવાનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં છે, ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે. તેમાં વળી હાલ ચોમાસું ચાલતું હોવાથી રસ્તો ખાબોચિયા અને કીચડવાળો થતાં લપસણો બન્યો છે. જેને લઇ યાત્રાળુઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તંત્રને આ રસ્તાનું સમારકામ કરવાની ફુરસદ મળતી નથી. મહત્વનું છે કે હાલ શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે ખૂબ જ વિશાળ સંખ્યામાં યાત્રાળુઓ ભક્તજનો અહીં મંદિરે દર્શને આવનાર છે.ત્યારે યાત્રાધામોમાં વિવિધ સુવિધાઓ ઉભી કરતું તંત્ર અહીં પણ આ થોડાક મીટરના રસ્તાનું સમારકામ કરે તેવું યાત્રીઓ ઈચ્છી રહ્યા છે.