- ખેડૂતો દ્વારા પાણી છોડવાની માગ સાથે આવેદન પત્ર અપાયું
- તળાવમાં પાણી છોડાય તો 25 ગામોને સિંચાઈની સુવિધા મળે
- જો પાણી નહિ છોડાય તો ભૂખ હડતાલની ચીમકી
ખેડામાં સિંચાઈ માટે તળાવમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આવેદન પત્ર આપ્યું
ખેડા: જિલ્લાના કપડવંજ તાલુકાના અલવા ગામે તળાવમાં કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે. જેને લઈ પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જો અલવા તળાવમાં પાણી છોડવામાં આવે તો આજુબાજુના ગામો જેવા કે હિરાપુરા, સાવલિયાના મુવાડા,કલાજી,ભુંગળિયા, લાલાતેલીના મુવાડા સહિતના 25 જેટલા ગામોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થઇ શકે તેમ છે.
ખેડામાં સિંચાઈ માટે તળાવમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આવેદન પત્ર આપ્યું સિંચાઈ વિભાગ દ્વારા ત્રણ લાખ જમા કરાવવા જણાવાયુ
આ અંગે ખેડૂતો દ્વારા વારંવાર હિંમતનગર સિંચાઇ વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હિંમતનગર સિંચાઇ વિભાગ દ્વારા ત્રણ લાખ રૂપિયા જમા કરાવવા જણાવવામાં આવ્યું છે. જોકે ખેડૂતોની માગ છે કે હાલ કોરોના મહામારીને લઇ ખેડૂતો રૂપિયા જમા કરાવી શકે તેમ નથી. હાલ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજ દિન સુધી એક હજાર વીઘા કરતા વધારે જમીનને સિંચાઇનો લાભ મળતો નથી. ઉપરાંત પશુ-પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ પાણીની તકલીફ પડે છે તથા ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરતા હોય તેમને મુશ્કેલી પડી રહી છે. દસ દિવસમાં અલવા તળાવમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી રહી છે. જો નહીં છોડાય તો નાયબ કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં ભૂખ હડતાલ પર બેસવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.