ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો કર્મયોગી શિક્ષકની અથાગ મહેનતનું પરિણામ એવી પ્રયોગોની પાઠશાળા વિશે - ખેડા

કપડવંજ: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વાઘજીપુરમાં આવેલી પ્રાથમિક શાળા પ્રયોગોની પાઠશાળા તરીકે જાણીતી થઈ છે. નાનકડા ગામની સરકારી પ્રાથમિક શાળા રાજ્ય અને દેશમાં અનુકરણીય અને જાણીતી બની છે. તેનું શ્રેય અવનવા સર્જનાત્મક પ્રયોગો કરી બાળકોના શિક્ષણ અને જ્ઞાનમાં વધારો કરતી શાળાના ઉત્સાહી સ્ટાફ અને પ્રિન્સિપાલને જાય છે. શાળાના મુખ્ય શિક્ષક કુલદીપ સિંહ ચૌહાણે સાચે જ શિક્ષણનો કર્મયોગ આદર્યો છે. શિક્ષક શું કરી શકે છે, તે જાણવું હોય તો આ પ્રાથમિક શાળાની મુલાકાત લેવી જોઈએ. આજે શિક્ષક દિનના દિવસે જાણીએ આ શિક્ષકની અથાગ મહેનત અને લગનના પરિણામ એવી પ્રયોગોની પાઠશાળા વિશે.

કર્મયોગી શિક્ષકની અથાગ મહેનતનું પરિણામ એવી પ્રયોગોની પાઠશાળા

By

Published : Sep 5, 2019, 10:46 AM IST

બાળકોની શિક્ષણ પ્રત્યેની રૂચી કેળવાય તેમજ તેમનું સાચા અર્થમાં ઘડતર થાય તે માટે અવનવા સર્જનાત્મક પ્રયોગો કરતી વાઘજીપુર પ્રાથમિક શાળા પ્રયોગોની પાઠશાળા તરીકે જાણીતી બની છે. કર્મયોગી શિક્ષકની મહેનત રંગ લાવી છે. શાળાના શિક્ષણ કાર્યની સુવાસ ગામમાં પણ પ્રસરી છે અને ગામના સીમાડાઓ વટાવી રાજ્ય અને દેશભરમાં પહોંચી છે. આ શાળાના શિક્ષકોનો શિક્ષણ પ્રત્યેનો સમર્પણ ભાવ પ્રશંસાને પાત્ર છે. આ શાળા માત્ર અભ્યાસક્રમ પૂરો કરી શિક્ષણ કાર્ય પૂરું નથી કરતી પરતું અભ્યાસક્રમથી વિશેષ બાળકોને સાચી કેળવણી મળી શકે તેમનું ઘડતર થાય તેની કાળજી રાખે છે જે અહીં જોઈ શકાય છે.

કર્મયોગી શિક્ષકની અથાગ મહેનતનું પરિણામ એવી પ્રયોગોની પાઠશાળા

ખેડા જિલ્લાની પ્રથમ ડિજિટલ સ્માર્ટ સ્કૂલ એવી વાઘજીપુર પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બાળકો માટે વિવિધ નાવિન્યસભર પ્રવૃત્તિઓ જેવી કે, શાળાનો બ્લોગ, શૈક્ષણિક ડિજિટલ લાયબ્રેરી, જીરો ધોરણ, ઇંગલિશ લેંગ્વેજ લેબ, અમારા શબ્દકોશ,થ્રીડી ટેકનોલોજીનો ઉપયોગ,ઇંગ્લિશ સ્પોકન ક્લાસ,સેન્ડ ટ્રે, જ્ઞાનપરબ, સ્પેલિંગ ઓફ ધ ડે, ફ્લેગ ઓફ ધ ડે, વોલ ઓફ આર્ટ, ઈકોલોજીકલ સેનિટેશન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. પરિણામ સ્વરૂપે આ શાળાને ખેડા જિલ્લાની બેસ્ટ પ્રેક્ટિસીસ સ્કૂલનો એવોર્ડ પણ મળ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ શાળા રાજ્યની 10 હજારથી વધુ પ્રાથમિક શાળાઓ અને શિક્ષકો સાથે જોડાયેલી છે. પ્રાથમિક શિક્ષણમાં શાળાએ કરેલા પ્રયોગો પરથી જ શાળાને પ્રયોગોની પાઠશાળા નામ આપવામાં આવ્યું છે. શાળાના શિક્ષકોની મહેનતને પરિણામે શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓની સુવાસ સમગ્ર રાજ્યમાં પ્રસરી રહી છે.

શાળાના મુખ્ય શિક્ષક કુલદીપ સિંહ ચૌહાણે અહીં સાચે જ શિક્ષણનો કર્મયોગ આદર્યો છે. તેમની અથાગ મહેનતને કારણે વાઘજીપુર પ્રાથમિક શાળાને માનવ સંશાધન વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા દેશની શ્રેષ્ઠ ઇનોવેટિવ શાળાઓમાં સામેલ કરવામાં આવી છે. ડિઝાઇન ફોર ચેન્જ સંસ્થામાં શાળાની વોલ ઓફ આર્ટ અને ફ્લેગ ઓફ ધ ડે કૃતિને સ્થાન મળ્યું છે. IIMમાં શાળાનું શ્રેષ્ઠ ઇનોવેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. શાળાને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ શાળાની ઈનોવેટીવ પ્રવૃત્તિઓને બિરદાવી અભિનંદન આપ્યા છે. લવ ઇન્ડિયા ફેલોશિપ કાર્યક્રમ હેઠળ પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થા દ્વારા આ ગામને વિકાસ માટે દત્તક લેવામાં આવ્યું છે. ગુજરાતમાં કદાચ આ પહેલી ઘટના હશે કે, શાળાને પરિણામે ગામને વિકાસ માટે કોઈ સંસ્થાએ દત્તક લીધું હોય. શાળામાં ધોરણ 1 થી 8 ના વર્ગો ચાલે છે. જેમાં 183 જેટલા બાળકોને આઠ જેટલા કર્મયોગી શિક્ષકો દ્વારા શિક્ષણ અને સંસ્કારના પાઠ ભણાવવામાં આવે છે. આ શાળાની અત્યાર સુધીમાં રાજ્યની વિવિધ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સહિત હજારો શિક્ષકોએ મુલાકાત લીધી છે.

એક શિક્ષકની મહેનતે શાળાના વિદ્યાર્થીઓના ભાવિ ઘડતરની સાથે શાળાનું તેમજ ગામનું નામ સમગ્ર રાજ્ય અને દેશમાં ગુંજતું કરી દીધું છે. શાળાની મુલાકાત લીધા બાદ સાચે જ શબ્દો સરી પડે છે કે "શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ".

ABOUT THE AUTHOR

...view details