નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની મુલાકાત દરમિયાન રજૂ થયેલા 26 પ્રશ્નો પૈકી 17 પ્રશ્નોનો સત્વરે ઉકેલ કરી ગામ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર પી.એસ.ડાંગીએ જણાવ્યુ છે.
ડાંગીએ વધુમાં કહ્યું કે, રામપુરા-લક્ષ્મણપુરા જુથ પાણી પુરવઠા યોજના માટે કપડવંજ તાલુકાના વાસણા રોડ ઉપર બે બોર શારકામની કામગીરી ચાલુ છે. કપડવંજ તાલુકાના વડોલ, આશીપુરા, માલઇટાંડી તાબે ઉંટડી અને ભીલીયા, ચીખલોડ ભરવાડ વાસ, મુળજીના મુવાડા, માલઇટાંડી, આંટા, શિવપુરા અને બારીયા ગામે પાણી પુરવઠા માટે આશીપુરા, વડોલ તાબે બા. મુવાડી, ભરવાડવાસ, આંટા, શિવપુરા અને બારીયાનામુવાડી સીંગલ ફેઝ બોર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. માલઇટાંડી તાબે ઉંટડી ગામે પાણી પુરવઠો પહોંચાડવા માટે એક કિલોમીટર પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહુધા તાલુકાના મિરઝાપુર, કાકસીયા, વટવટીયા, ઓધવજીના મુવાડા ગામોના ગામ તળાવો ભરવા માટે નર્મદા વિભાગને જણાવવામાં આવ્યું છે.
બોર શારકામની કામગીરી ચાલુ ડાંગીએ જણાવ્યું કે, મહુધા તાલુકાના ગામોમાં પીવાના પાણીના પ્રશ્નોની રજૂઆત સંદર્ભે હેન્ડપંપ મરામતની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવી છે. ખેડા તાલુકાના કેશવપુરા લાટ (નવાગામ) ખાતે પાઇપલાઇન મરામતની કામગીરી પૂર્ણ કરવા સાથે મહીજ, ધારપુરા, ભગુપુરા, સારસા નવિન હેન્ડપંપ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કપડવંજ-કઠલાલના આંતરસુંબાથી જલોયા સેકશનમાં તેમજ ભાનેર સેકશનમાં પાણીની સમસ્યા નિવારવા 700 મીટર પાઇપલાઇન નાખવાનું કામ પ્રગતિમાં છે.
ઠાસરા તાલુકાના રત્નાના મુવાડા ગામે વધુ એક નવીન સ્ટેન્ડ પોસ્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત આંતરસુંબા ગામે હયાત પાઇપલાઇન ભંગાણ થતાં નવીન પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઠાસરા તાલુકાનું સેવાલીયા ગામ મહી નદી આધારિત વોટર વકર્સથી પાણી મેળવે છે. સેવાલીયામાં ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. ફિલ્ટર પ્લાન્ટના કલોરીનેશન અને સાફસફાઇ બાદ પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે તેમ ડાંગીએ ઉમેર્યું હતું.
મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી અને સુંઢા વણસોલ ગામે પી.વી.સી. પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરવા સાથે મહેમદાવાદ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ સિંહૂજમાં પમ્પીંગ મશીનરી બદલવામાં આવી છે. નનાદરા ગામે નવીન પાઇપલાઇન નાખી પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે.
પાણીની સમસ્યા નિવારવા 700 મીટર પાઇપલાઇન નાખવાનું કામ પ્રગતિમાં