ખેડા : નડિયાદ શહેર સહિત જિલ્લામાં 8મી એપ્રિલથી લૉકડાઉનના ચુસ્ત અમલીકરણ કરવા માટે જિલ્લા ક્લેક્ટર આઈ.કે.પટેલ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જે મુજબ અમુલ પાર્લર,દૂધ પાર્લર કે ડેરી પરથી ફક્ત સવારના 7થી સવારના 9-30 કલાક સુધી દૂધ વિતરણ કરી શકાશે. દિવસના અન્ય સમયગાળા દરમિયાન દૂધ પાર્લર કે ડેરી સદંતર બંધ રાખવાની રહેશે. શાકભાજી પણ સવારના 7 થી 9-૩0 દરમિયાન જ મળી શકશે.આ સિવાય તમામ હૉલસેલ અને છૂટક કરિયાણાના વેપારીઓએ 8થી 14 એપ્રિલ દરમિયાન દુકાન બંધ રાખવાની રહેશે.
ખેડામાં લૉકડાઉનના કડક અમલના આદેશ,તમામ વાહનો બંધ કરાયા - kheda corona update
ખેડા જિલ્લામાં 8મી એપ્રિલથી લૉકડાઉનના ચુસ્ત અમલીકરણના જિલ્લા ક્લેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. નાગરિકોને ફરજિયાત ઘરમાં રહેવા આદેશ કરવામાં આવ્યો છે, તેમજ તમામ વાહનો બંધ કરવામાં આવ્યા છે.

પોલીસ,મેડિકલ અને મીડિયા સિવાયના તમામ વાહનો બંધ રહેશે. હૉસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોર ફક્ત ઓપીડી સમય દરમિયાન જ ખુલ્લા રહેશે. 24 કલાક ચાલુ રહેતા મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. એપીએમસી નડિયાદ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં સવારના 7 થી 9-૩0 દરમિયાન શાકભાજી વિતરણ કરવામાં આવશે. દરેક નાગરિકોએ લૉકડાઉનમાં પોતાના ઘરમાં જ રહેવું પડશે.
દરેક ભિક્ષુક ગૃહ,ટિફીન સેવા,હોસ્પિટલ ટીફિન સેવા અને સીનિયર સિટિઝન ટિફીન સેવાને મુક્તિ આપવામાં આવી છે.સવારના 10 કલાક પછી કોઈ પણ નાગરિક આકસ્મિક સંજોગો, ઈમર્જન્સી હોસ્પિટલ સેવાઓ સિવાય ઘરની બહાર નીકળી શકશે નહીં.