ખેડા: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં માંડ એકાદ હજારની વસ્તી ધરાવતું શિહોરા ગામ છે. આ ગામ સમગ્ર જિલ્લામાં પપૈયાની સમૃદ્ધ ખેતી માટે જાણીતું બન્યું છે. ગામમાં ખેડૂતો અંદાજે 500 વીઘા ઉપરાંત જમીનમાં પપૈયાની ખેતીથી મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે.
પપૈયાની સમૃદ્ધ ખેતીથી શિહોરા ગામને નવી ઓળખ અપાવતા ખેડૂત: જુઓ વિશેષ અહેવાલ - ખેડૂતો પપૈયાની ખેતી તરફ વળ્યા
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના શિહોરા ગામના ખેડૂતો ધાન્ય પાકને બદલે ટપક સિંચાઇ પદ્ધતિથી પપૈયાની ખેતી તરફ વળ્યા છે. જેનું મબલખ ઉત્પાદન મેળવી ગામ સમૃદ્ધ બન્યું છે. પપૈયાની ખેતી કરી સારું ઉત્પાદન મેળવી આ ખેડૂતો જિલ્લામાં આગવી ઓળખ બનાવી રહ્યા છે.
કપાસ, મગફળી અને ધાન્ય પાક જેવી પરંપરાગત ખેતીમાં રોગ તેમજ ઓછા ભાવને કારણે ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા હતા. જેમાં ત્રણ વર્ષ અગાઉ શરૂઆતમાં કેટલાક ખેડૂતો દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિએ ઓછા પાણીએ પપૈયાની સફળ ખેતી કરી હતી. પપૈયાનું મબલખ ઉત્પાદન મેળવતા અન્ય ખેડૂતો પણ પપૈયાની ખેતી તરફ વળ્યા હતા. ધીમે ધીમે સમગ્ર ગામમાં હાલ 500 વીઘા જેટલી જમીનમાં પપૈયાની ખેતી કરવામાં આવી રહી છે.જ્યાં અઢળક ઉત્પાદન મેળવવામાં આવી રહ્યું છે અને ગામ સમૃદ્ધિ તરફ આગેકૂચ કરી રહ્યું છે.
પપૈયાની ખેતી 18 માસની હોય છે. અહીં પપૈયાના એક છોડ પરથી 60 થી 120 કિલો સુધીનું ઉત્પાદન ખેડૂતો મેળવી રહ્યા છે. ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરવા સાથે ઓર્ગેનિક ખાતરનો પણ પ્રયોગ કરી ખેડૂતો મબલખ કમાણી કરી રહ્યા છે. ખેતીમાં આધુનિક વૈજ્ઞાનિક અભિગમ તેમજ ખંતથી પ્રતિકૂળતાઓ વચ્ચે પણ સમૃદ્ધ બની શકાય છે તેનું ઉમદા ઉદાહરણ આ ખેડૂતો આપી રહ્યા છે.