ખેડામાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ ખેડા: ખેડા જિલ્લામાં ગત રાત્રીથી ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એકધારા વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. યાત્રાધામ ડાકોર મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાતા યાત્રાળુઓ અટવાયા હતા. સાબરકાંઠા ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
કપડવંજ તાલુકાના સાત ગામો એલર્ટ ક્યાં-ક્યાં પડ્યો વરસાદ?:જિલ્લાના નડીયાદ,મહુધા,ઠાસરા,કઠલાલ અને કપડવંજ સહિતના તમામ તાલુકામાં ગત રાત્રીથી ધીમી ધારે અવિરત વરસાદ થઈ રહ્યો છે.એકધારા વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક ફેલાવા પામી છે.તો જનજીવન પણ પ્રભાવિત થયું છે.
કપડવંજમાં સૌથી વધુ વરસાદ: ગત રાતથી જીલ્લાના તમામ તાલુકાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારે 10 વાગ્યા સુધી કઠલાલ 10,કપડવંજ 26, ખેડા 6 ગળતેશ્વર 10, ઠાસરા 4, નડિયાદ 12, મહુધા 19, મહેમદાવાદ 13, માતર 8 અને વસો 4 મીમી વરસાદ નોંધાયો છે. કપડવંજમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
કપડવંજ તાલુકાના સાત ગામોને એલર્ટ કરાયા:ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરકાંઠા ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં તાલુકાના દોલપુર ટિંબા, બેટાવાડા, બારીયાના મુવાડા, ઠુંચલ, નવી ઠુંચલ, સુલતાનપુર ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ગામના સરપંચ, તલાટી અને અન્ય અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
ડાકોર મંદિર બહાર પાણી ભરાયા:સતત વરસી રહેલા વરસાદને કારણે જીલ્લાના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદને કારણે યાત્રાધામ ડાકોર ખાતેના રણછોડરાયજી મંદિર બહાર પણ પાણી ભરાયા હતા. જેને લઈ મંદિરે દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓ અટવાયા હતા.
- Mahisagar Rain: મહીસાગરમાં ધીમી ધારે વરસાદ, મકાઈ-ડાંગરના પાકને જીવનદાન મળ્યું
- Surat Rain: માંગરોળ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, ખેડૂતો ખુશખુશાલ